કાલાવડ તાલુકાના ભાવાભી ખીજડિયા ગામની ગોલાઈ પાસે અલ્ટો અને હુન્ડાઈ કાર અથડાતા આ અકસ્માતમાં યુવાનનું મોત નિપજ્યું હતું. જ્યારે બે બાળકો સહિત સાત વ્યકિતઓને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં શરૂ સેકશન રોડ પર શ્રીજી ટેર્નામેન્ટમાં રહેતા વિજયકુમાર અનિલકુમાર જૈન નામના મારવાડી વેપારી ગત તા.27 ના શનિવારે સવારના સમયે કાલાવડ તાલુકાના ભાવાભી ખીજડિયા ગામની ગોલાઈમાં તેની જીજે-18-બીએફ-1053 નંબરની કારમાં પસાર થતા હતાં ત્યારે સામેથી આવતી અલ્ટો કારના ચાલક જિજ્ઞેશ નંદાણિયાએ તેની કાર પૂરઝડપે બેફીકરાઇથી ચલાવી વેપારીની કાર સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત થયો હતો આ અકસ્માતમાં વિજયકુમાર અનિલકુમાર જૈન (ઉ.વ.37) નામના મારવાડી વેપારી યુવાનને શરીરએ અને માથામાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે વેપારીની પત્ની વીનિતાબેન અને મોનિસ (ઉ.વ.10) અને ખ્વાહિશ (ઉ.વ.1.5) નામના બે બાળકોને સામાન્ય ઈજા પહોંચી હતી. જ્યારે અલ્ટો કારમાં સવાર ત્રણ વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થઈ હતી.
અકસ્માતની જાણ થતા 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યારે પીએસઆઈ એચ.વી. પટેલ તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી ઈજાગ્રસ્ત વીનિતાબેનના આધારે અલ્ટો કારના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.