જામનગર શહેરના કાલાવડનાકા બહાર મહારાજા સોસાયટીમાં રહેતાં અને ડ્રાઈવિંગ કરતા યુવાને પંદર ટકાના માસિક વ્યાજે એક લાખ લીધા હતાં. તે પેટે સાત લાખ ચૂકવી દીધા હોવા છતાં બે વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી કરી ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર આવેલી મહારાજા સોસાયટી શેરી નંબર-7 માં રહેતાં અશરફભાઈ કાસમભાઈ મેમણ નામના વેપારી યુવાને જામનગરના ઈસ્તીયાક પટણી પાસેથી 15 ટકાના જંગી માસિક વ્યાજે એક લાખ રૂપિયા ચાર વર્ષ પહેલાં લીધા હતાં અને આ વ્યાજની રકમની સિકયોરીટી પેટે સ્ટેટ બેંકના બે કોરા ચેક આપ્યા હતાં. તેમજ આજ દિવસ સુધી વેપારીને સાત લાખ રૂપિયા જેટલું વ્યાજ ચૂકવી દીધું હતું. તેમ છતાં ઈસ્તીયાક પટણી અને જુનેદ પટણી નામના બે શખ્સો દ્વારા અશરફ પાસેથી મૂળ રકમ તથા વ્યાજની પઠાણી ઉઘરાણી કરી જેમ ફાવે તેમ ગાળો કાઢી પતાવી દેવાની ધમકી આપી હતી. વ્યાજખોરો દ્વારા અપાતી ધમકીથી કંટાળીને વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ ડી જી રામાનુજ તથા સ્ટાફે બે વ્યાજખોરો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


