જામનગર તાલુકાના દરેડ ગામમાં લાલપુર રોડ પર થી પસાર થતી કારના ચાલકે સામેથી આવી રહેલા બાઈકને ઠોકર મારી હડફેટે લેતા પાછળ બેસેલા યુવાનનું ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. જ્યારે બાઈકચાલકને નાની મોટી ઈજાઓ થઈ હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના દરેડ ગામમાં રહેતાં કિશનભાઈ ભટ્ટી નામનો યુવાન ગુરૂવારે બપોરના સમયે જીજે-10-એજી-0910 નંબરના બાઈક પર લાલપુર રોડ પર નીલગીરી ગોલાઇ પાસેથી પસાર થતો હતો તે દરમિયાન સામેથી પૂરઝડપે બેફીકરાઇથી આવી રહેલી જીજે-10-બીઆર-7091 નંબરની કારના ચાલકે સામેથી આવતા બાઈકને ઠોકર મારી હડફેટે લેતા અકસ્માત થયો હતો આ અકસ્માતમાં બાઈકચાલક કિશન ભટ્ટી અને પાછળ બેસેલા દિલીપ ગરોદરીયા નામના બે યુવાનોને ઈજા પહોંચતા બંનેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં દિલીપ ગરોદરીયાનું ગંભીર ઈજા થવાના કારણે સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણના આધારે પીએસઆઈ સી.એમ. કાંટેલિયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ જીતેશ ગરોદરીયાના નિવેદનના આધારે કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.