જામનગર તાલુકાના સચાણા ગામમાં રહેતો યુવાન તેના બાઈક પર જાંબુડા ગામના પાટીયા પાસેથી પસાર થતો હતો તે દરમિયાન પૂરઝડપે આવતી છકડો રીક્ષાના ચાલકે બાઈકને ઠોકર મારી હડફેટે લેતા યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના સચાણા ગામમાં રહેતો અને માછીમારી કરી વલીમામદ નુરમામદ ચાડ (ઉ.વ.24) નામનો યુવાન શનિવારે સાંજના સમયે સચાણાથી જામનગર તરફ તેના જીજે-10-ડીડી-7964 નંબરના બાઈક પર આવતો હતો ત્યારે જાંબુડા ગામના પાટીયા પાસે રસ્તો ક્રોસ કરતો હતો તે સમયે પૂરઝડપે બેફીકરાઇથી આવતી જીજે-10-વાય-4819 નંબરની છકડો રીક્ષાના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતા બાઈકસવાર નીચે પટકાતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની નુરમામદભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ કે.વી. ઝાલા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.