કાલાવડ તાલુકાના બામણ ગામના વતની અને હાલ રાજકોટમાં રહેતાં પ્રૌઢા એ તેની માનસિક બીમારીની દવા લેવા છતાં તબિયતમાં સુધારો ન થવાથી જિંદગીથી કંટાળી બામણ ગામની સીમના કુવામાં ઝંપલાવી આપઘાત કર્યો હતો. કાલાવડમાં રહેતાં પ્રૌઢને છાતીમાં દુ:ખાવો ઉપડતા સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, રાજકોટના મવડી ચોકડી રોડ પરના વિસ્તારમાં આવેલા ગ્રીનસિટીમાં રહેતા અને કાલાવડ તાલુકાના બામણ ગામના વતની કંચનબેન ધીરુભાઈ ગીણોયા (ઉ.વ.55) નામના પ્રૌઢાને છેલ્લાં ચાર વર્ષથી બીમારી થઈ હતી અને આ બીમારીની સારવાર કરાવવા છતા તબિયતમાં સુધારો થતો ન હોવાથી જિંદગીથી કંટાળીને સોમવારે સવારના સમયે બામણ ગામમાં આવેલી હિતેશભાઈ મારકણાની વાડીમાં રહેલાં કૂવામાં ઝંપલાવી આપઘાત કર્યો હતો. આ અંગેની જાણ મૃતકના પતિ ધીરુભાઈ દ્વારા કરાતા હેકો વી. જે. જાદવ તથા સ્ટાફે સ્થળ પર પહોંચી ગયો હતો અને કૂવામાંથી પ્રૌઢાના મૃતદેહને બહાર કાઢી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરતા પ્રૌઢા થોડા દિવસ માટે તેમના જેઠ પરસોતમભાઈના ઘરે રોકાવા ગયા હતાં. તે દરમિયાન કૂવામાં ઝંપલાવી આપઘાત કર્યો હતો.
બીજો બનાવ, જામજોધપુર તાલુકાના મેથાણ ગામના વતની અને હાલ કાલાવડમાં આંબેડકરનગર વિસ્તારમાં રહેતાં રવજીભાઈ કાનાભાઈ લુવાર (ઉ.વ.55) નામના પ્રૌઢને સોમવારે સવારના સમયે તેના ઘરે તૂટકરતર અને છાતીમાં દુ:ખાવો થવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં જ્યાં તેમનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું આ અંગેની મૃતકના પુત્ર પ્રફુલ્લભાઈ દ્વારા જાણ કરાતા હેકો જી. આર. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.