જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના કાઠીતળ ગામે રહેતી મહિલાએ માનસિક બીમારીથી કંટાળી શરીરે કેરોસીન છાંટી લેતા સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું છે. અન્ય બનાવ જેમાં જામનગરના વાલકેશ્વરી નજીક આવેલ ખૂલ્લા પ્લોટમાંથી એક અજાણ્યા આધેડનો મૃતદેહ મળી આવતા પોલીસે મૃતદેહની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે.
લાલપુર તાલુકાના કાઠીતળ ગામે રહેતા ભારતીબેન ચંદુભાઈ દવે છેલ્લા બે વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હોય અને કંટાળી જઈ તેણી પોતાના શરીરે કેરોસીન છાંટી સળગી જતા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા ત્યારે લાંબી સારવાર બાદ ગઈકાલના રોજ તેમનું મૃત્યુ નીપજ્યું છે. આ અંગે તેમના પતિ ચંદુભાઈ દવેએ લાલપુર પોલીસ સ્ટેશનને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગર શહેરના વાલ્કેશ્વરી પાણીના ટાંકાની સામે આવેલ ખુલ્લા પ્લોટ માંથી એક અજાણ્યા આધેડ ઉ.વ.50નો મૃતદેહ મળી આવ્યો છે, કોઈ બીમારી સબ તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. હજુ સુધી તેની ઓળખ થઇ ન હોવાથી સીટી બી ડીવીઝન પોલીસે અજાણ્યા આધેડની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે.