જામનગર મહાનગરપાલિકામાં આઇસીડીએસ વિભાગની ઓફિસમાં ફરજ બજાવતા મહિલા કર્મચારીને દંપતિએ આવીને બોલાચાલી કરી મહિલા કર્મચારીને ફડાકો ઝીંકી, ચુંદડી ખેંચી લઇ, માર મારી, ઇજા પહોંચાડી, ખોટા એટ્રોસિટી કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં પટેલ કોલોની શેરી નંબર 9માં રહેતાં રીટાબેન હસમુખભાઇ દેલવાડિયા નામનાભ મહિલા આંગણવાડીમાં ફરજ બજાવતા હોય અને ગુરૂવારે સાંજના સમયે જામનગર મહાનગરપાલિકાના આઇસીડીએસ વિભાગમાં તેની ઓફિસ પર હતા ત્યારે પુષ્પાબેન શ્રીમાળી અને તેના પતિ અનિલ નામના દંપતિએ ઓફિસમાં આવી રીટાબેનને જેમ ફાવે તેમ ગાળો કાઢી ફરજમાં રૂકાવટ કરી હતી અને મહિલાને ફડાકો ઝીંકી દીધો હતો. ત્યારબાદ અનિલે મહિલાની ચુંદડી ખેંચી ધકકો મારી પછાડી દીધા હતા. જેમાં મહિલાને શરીરે મુંઢ ઇજા પહોંચી હતી. ત્યારબાદ દંપતિએ મહિલા કર્મચારીને જેમ ફાવે તેમ ગાળો કાઢી, ખોટા એટ્રોસિટીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. ત્યારબાદ આ બનાવ અંગેની મહિલા દ્વારા જાણ કરવામાં આવતા પીએસઆઇ એલ. બી. જાડેજા તથા સ્ટાફએ દંપતિ વિરૂઘ્ધ ફરજમાં રૂકાવટ અને હુમલાનો ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતા.


