ખંભાળિયા તાલુકાના પીર લાખાસર ગામે રહેતા પુરીબેન ઈબ્રાહીમભાઇ ભટ્ટી નામના આશરે 40 વર્ષના મહિલા ગઈકાલે સોમવારે સવારે સાડા આઠ વાગ્યે જી.જે. 10 વાય. 6444 નંબરના છકડા રિક્ષામાં બેસી અને જઈ રહ્યા હતા, ત્યારે અત્રેથી આશરે સાત કિલોમીટર દૂર લાલપુર-બજાણા રોડ પર કંડોરણા ગામના પાટીયા પાસે પહોંચતા આ છકડા રીક્ષાના ચાલક હનીફ હાજીભાઈ ભટ્ટી (રહે. પીર લાખાસર) એ પોતાનો છકડા રીક્ષો પૂરઝડપે એને બેફિકરાઈપૂર્વક ચલાવતા આ રીક્ષા આડે કૂતરું ઉતરતા રીક્ષા છકડો પલટી ખાઈ ગયો હતો.
આ અકસ્માતમાં રિક્ષામાં જઈ રહેલા પૂરીબેનને ગંભીર હાલતમાં સાથે અહીંની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અકસ્માતમાં અન્ય પાંચ જેટલા મુસાફરોને પણ નાની-મોટી ઇજાઓ થવા પામી હતી.
આ સમગ્ર બનાવવા અંગે મૃતકના પતિ ઈબ્રાહીમ હમીરભાઈ ભટ્ટી (ઉ.વ. 45, રહે. પીર લાખાસર) ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે રિક્ષાના ચાલક હનીફ હાજીભાઈ સામે આઈ.પી.સી. કલમ 304 (અ), 279, 338 તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.