ખંભાળિયા-ભાણવડ ધોરીમાર્ગ પર રોજીવાડા ગામ નજીક ગુરૂવારે સાંજના સમયે એક ટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માત થતા કારમાં સવાર મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે વ્યકિતઓને ઈજા પહોંચતા ભાણવડની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
અકસ્માતના બનાવની વિગત મુજબ, ખંભાળિયા-ભાણવડ ધોરીમાર્ગ પર રોજીવાડા ગામના પાટીયા નજીકથી ગુરૂવારે સાંજે વડોદરા પાસીંગની સ્વીફટ કાર અને એક ટ્રેકટર સામસામા અથડાતા અકસ્માત થયો હતો અને આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર ઉષાબેન જયેશભાઈ (રહે.વડોદરા)ના મહિલાને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે કારમાં સવાર એક બાળકી સહિત બે વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે ભાણવડની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવ અંગેની જાણ થતા પોલીસે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.