ધ્રોલ ગામાં ત્રિકોણબાગ નજીકથી પૂરઝડપે આવતી સ્કોડા કારના ચાલકે મહિલાને હડફેટે લેતાં શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચતાં જામનગરની સરકારી હોસ્પિટલમાં હાલત નાજુક જણાતાં સુરેન્દ્રનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેણીનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ ધ્રોલ ગામમાં જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ત્રિકોણ બાગ પાસેથી ગત તા. 11 જાન્યુઆરીના રોજ બપોરના સમયે પસાર થતાં રેખાબા શક્તિસિંહ જાડેજા નામના મહિલાને પૂરઝડપે બેફિકરાઇથી આવતાં જીજે-10-બીજી-5335 નંબરની સ્કોડા કારના ચાલકે હડફેટે લેતાં મહિલાને શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માત બાદ ચાલક નાશી ગયો હતો. ત્યારબાદ મહિલાને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેની હાલત નાજુક જણાતાં સુરેન્દ્રનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન ગુરુવારે સાંજના સમયે મહિલાનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે રવિરાજસિંહ જાડેજાના નિવેદનના આધારે પીએસઆઇ પી.જી. પનારા તથા સ્ટાફે કારચાલક વિરુધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.