અમદાવાદમાં બાપુનગર વિસ્તારમાં માથુર માસ્ટર ચાલ નામનો એક પેટા વિસ્તાર છે. આ ચાલમાં 2019ની સાલથી સિતારા બેગમ નામની મહિલા બુટલેગર વસવાટ કરે છે. તેના ફેસબુક એકાઉન્ટમાં 35 પોલીસકર્મી મિત્ર છે. જોકે, ઘણાં બધા લોકોએ સિતારા નામની આ મહિલાને ફેસબુક પર અનફ્રેન્ડ પણ કરી નાખી છે.
સિતારા દ્વારા થતી રંજાડ અને હૂમલાઓ પછી આ વિસ્તારમાંથી 15 પરિવારો ઘર છોડીને જતાં રહ્યા છે અને અન્ય વિસ્તારમાં ભાડાંના મકાનમાં રહે છે. સિતારાનું ખરૂ નામ સિતારા બડભૂજા છે. પરંતુ બાપુનગર વિસ્તારમાં આ મહિલા બૂટલેગર સિતારા બેગમના નામે પૂખ્યાત છે. 38 વર્ષની સિતારાના માણસો આ વિસ્તારમાં ઘણાં લોકોને પરેશાન કરે છે અને નાણાં વસૂલી પણ કરે છે. નવાઇની વાત એ છે કે, સિતારાનું નિવાસસ્થાન એસીપી કચેરીથી માત્ર 150 ફૂટના અંતરે આવેલું છે.
2019માં સ્થાનિક રહેવાસીઓએ સિતારા વિરૂધ્ધ રેલી પણ યોજી હતી. જો કે, રેલી પછી સિતારાના ગુંડાઓ સરવર અને સિકંદર દ્વારા રેલીમાં સામેલ કેટલાંક લોકો પર હૂમલા પણ થયા હતાં. અને રેલી પછી સિતારની ધમકીઓ વધી ગઇ છે. રહેવાસીઓ કહે છે ભૂતકાળમાં અમે સંપૂર્ણ વિગતો સાથે તત્કાલીન પોલીસ કમીશનર એ.કે.સિંઘને પણ રજૂઆત કરી હતી. પછી પણ સિતારા વિરૂધ્ધ કોઇ મોટી કાર્યવાહી થઇ નથી.
આ અગાઉ કાનપૂરનો એક યુવાન આ વિસ્તારમાં રહેતો હતો. પરંતુ સિતારાના માણસો બળજબરીથી આ યુવાનના રહેણાંકમાં શરાબની બોટલોનો સ્ટોક કરતાં હતાં. કંટાળી ગયેલો આ યુવાન આખરે 2018માં ગુજરાત છોડી ઉતરપ્રદેશ ભાગી ગયો.