આગામી તા. ૧૦ ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જામનગરની મુલાકાતે પધારનાર છે જેમાં તેઓ રૂા.૧૪૬૨ કરોડના ખર્ચે વિવિધ ૯ જેટલા વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરનાર છે.ત્યારે વડાપ્રધાનની મુલાકાત સંદર્ભે જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીના અધ્યક્ષ સ્થાને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથેની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલેક્ટરએ કાર્યક્રમને અનુરૂપ આયોજન, અમલીકરણ, સંકલન વગેરેને લગતી જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડી જરૂરી સૂચનો કર્યા હતા.
બેઠકમાં કલેકટરએ મંડપ વ્યવસ્થા, મુખ્ય સ્ટેજ વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, વિકાસ કામોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત અંગેની આનુસંગિક વ્યવસ્થા, સુરક્ષા, કાયદો વ્યવસ્થાપન તથા ટ્રાફિક નિયમની વ્યવસ્થા, સાંસ્કૃતિક કાર્યક્રમો, પરિવહન વ્યવસ્થા, વાહન વ્યવહાર મોનિટરીંગ વગેરે બાબતે ઉપસ્થિત અધિકારીઓ સાથે જરૂરી ચર્ચાઓ કરી માર્ગદર્શન પુરૂ પાડયું હતું. બેઠક પુર્ણ થયા બાદ જિલ્લા કલેકટર, મ્યુનિસીપલ કમિશ્નર, જિલ્લા વિકાસ અધિકારી, અધિક નિવાસી કલેકટર, માર્ગ અને મકાન વિભાગ રાજય તથા પંચાયતના કાર્યપાલક ઇજનેરઓ વગેરેએ કાર્યક્રમ સ્થળની મુલાકાત લઇ કાર્યક્રમને અનુરૂપ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી હતી.