જામનગરમાં આજરોજ વિશ્ર્વ સાયકલ દિવસની ઉજવણી થઇ રહી છે ત્યારે કસ્તુરબા વિકાસગૃહ ખાતે રાજયમંત્રી હકુભા સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં વિશ્ર્વ સાયકલ દિવસ તેમજ આગામી તા. 5 જૂનના રોજ વિશ્ર્વ પર્યાવરણ દિવસ આવતો હોય તેના અનુલક્ષીને વૃક્ષારોપણ કાર્યક્રમ તેમજ રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સાયકલ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જામનગરમાં વોર્ડ નં. 3માં કસ્તુરબા વિકાસગૃહ ખાતે 3 જૂન વિશ્ર્વ સાયકલ દિવસ તથા પ જૂન વિશ્ર્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 37 જેટલાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહમાં અભ્યાસ કરતી 187 જેટલી વિદ્યાર્થીનીઓને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સાયકલ વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયર બિનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપન પરમાર, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન મનિષભાઇ કટારિયા, શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિમલભાઇ કગથરા, વોર્ડ નં.3ના કોર્પોરેટર અને પૂર્વ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન સુભાષભાઇ જોષી, વોર્ડ નં.3ના કોર્પોરેટરો પરાગભાઇ પટેલ, પન્નાબેન કટારિયા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઇ હિંડોચા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતાં.