જામનગર જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીની મત ગણતરી મંગળવારે પૂર્ણ થઈ હતી. આ ચૂંટણીમાં લાલપુર તાલુકા પંચાયતની પીપળી બેઠક પર ભાજપાના વિજેતા ઉમેદવારના સરઘસમાંથી પરત ફરતી પિતરાઈ બહેનના પરિવારની કાર મોટી વેરાવળ નજીક થાંભલા સાથે અથડાતા આ અકસ્માતમાં વિજેતા ઉમેદવારની બહેનનું ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. જ્યારે મૃતકના પતિ અને બે પુત્રીઓને સામાન્ય ઈજા થઈ હતી.
આ અંગેની વિગત મુજબ, લાલપુર તાલુકા પંચાયતની પીપળી બેઠકના ભાજપાના ઉમેદવાર અશોકભાઈ મકવાણાનો વિજય થયો હોવાથી જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં રહેતી તેમની પિતરાઈ બહેન પુષ્પાબેન નાથાભાઈ વાઘેલા (ઉ.વ.45) અને પતિ નાથાભાઈ રૂપાભાઈ વાઘેલા (ઉ.વ.50) તથા બે પુત્રીઓ જાગૃતિ અને વંદના સાથે કારમાં બેસીને સમાણા ગામ (લાલપુર) ગયા હતાં અને વિજય સરઘસ પૂર્ણ થયા બાદ પોતાના ઘર તરફ પરત આવતા હતાં ત્યારે લાલપુર-જામજોધપુર રોડ પર મોટી વેરાવળ ગામના પાટિયા નજીકથી પસાર થઈ રહ્યા હતાં તે દરમિયાન સાડા છ વાગ્યાના અરસામાં તેઓની કારના સ્ટ્રીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડ પરથી નીચે ઉતરીને એક સિમેન્ટના થાંભલા સાથે ટકરાઈ જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં નાથાભાઈ ડ્રાઈવિંગ કરતાં હતા અને તેમના પત્નિ પુષ્પાબેન બાજુની સીટ પર બેઠેલા હતાં. જ્યારે બન્ને પુત્રીઓ પાછળ બેઠેલી હતી. રોડની નીચે ઉતરી ગયેલી ધસમસતી કાર અથડાતા થાંભલો ભાંગી ગયો હતો. કારની એરબેગ ખુલી ગઈ હોવાથી નાથાભાઈને તેમજ પાછળ બેઠેલી બે પુત્રીઓને સામાન્ય ઈજા થઈ હતી. પરંતુ બાજુની સીટમાં બેઠેલા પુષ્પાબેનને માથામાં ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર પ્રકારની ઈજાઓ થઈ હતી. ત્યારબાદ ઈજાગ્રસ્તોને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં પુષ્પાબેન વાઘેલા (ઉ.વ.45) નામના મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની જાણ થતા હેકો એસ.કે. જાડેજા તથા સ્ટાફ ઘટના સ્થળે તેમજ જી. જી. હોસ્પિટલ દોડી ગયો હતો અને મૃતકની પુત્રી જાગૃતિબેનના નિવેદનના આધારે બેદરકારીપૂર્વક કાર ચલાવવા અંગે તેના પિતા નાથાભાઈ સામે અકસ્માત અંગેનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.