ગુજરાતના નગરોમાં વસતા નાગરિકોની સુવિધામાં વધારો કરવા દેવભૂમિ દ્વારકા જિલ્લાની ત્રણ સહિત રાજ્યની 17 નગરપાલિકાઓમાં ભૂગર્ભ ગટર માટે કુલ રૂ. 311.23 કરોડના કામોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા મુખ્યમંત્રી સમક્ષ આ સંદર્ભમાં જે દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી, તેમાં ખંભાળિયાના ધારાસભ્ય અને વન મંત્રી મુળુભાઈ બેરાના પ્રયાસોથી તેમના મત વિસ્તાર દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા, ભાણવડ, જામરાવલ તેમજ પોરબંદરની રાણાવાવ નગરપાલિકાના વિકાસ કામોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રાજ્યની લગભગ તમામ નગરપાલિકાઓમાં ભૂગર્ભ ગટર ભાગ-1 ના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. ભાગ-1 ના કામો પૂર્ણ થયા બાદ વિકાસ પામેલા વિસ્તારોમાં તેમજ આ કામોની જરૂરી સુધારણાને આવરી લેવા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ભુગર્ભ ગટર ભાગ- 2ના કામોનું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રાજ્યમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા, રાવલ અને ભાણવડ સાથે માંડવી (સુરત), જંબુસર, પાટડી, ખંભાત, ઓડ, રાણાવાવ, રાપર, માંડવી (કચ્છ), માળિયા-મિયાણા, ગણદેવી, કાલાવડ, સિક્કા, ધ્રોલ તેમજ ભાયાવદર નગરપાલિકામાં ભુગર્ભ ગટરના કામોને મંજૂરી આપવામાં આવી છે.
ભૂગર્ભ ગટર યોજના ભાગ – 2 ના કામો પૂર્ણ કરવા દેવભૂમિ દ્વારકાની ખંભાળીયા નગરપાલિકાને રૂ. 29.92 કરોડ, જામ રાવલ નગરપાલિકાને રૂ. 7.06 કરોડ, ભાણવડ નગરપાલિકાને રૂ. 5.12 કરોડ, પોરબંદરની રાણાવાવ નગરપાલિકાને રૂ. 24.42 કરોડ, જામનગરની કાલાવડ નગરપાલિકાને રૂ. 9.79 કરોડ, સિક્કા નગરપાલિકાને રૂ. 9.98 કરોડ, ધ્રોલ નગરપાલિકાને રૂ. 7.54 કરોડ, કચ્છની માંડવી નગરપાલિકાને રૂ. 29.54 કરોડ, રાપર નગરપાલિકાને રૂ. 12.40 કરોડની રકમના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
આ ઉપરાંત આણંદની ખંભાત નગરપાલિકાને રૂ. 27.01 કરોડ, ઓડ નગરપાલિકાને રૂ. 16.52 કરોડ, સુરતની માંડવી નગરપાલિકાને રૂ. 17.72 કરોડ, ભરૂચની જંબુસર નગરપાલિકાને રૂ. 60.36 કરોડ, સુરેન્દ્રનગરની પાટડી નગરપાલિકાને રૂ. 38.12 કરોડ, મોરબીની માળિયા-મિયાણા નગરપાલિકાને રૂ. 3.96 કરોડ, નવસારીની ગણદેવી નગરપાલિકાને રૂ. 6.40 કરોડ તેમજ રાજકોટની ભાયાવદર નગરપાલિકાને રૂ. 4.29 કરોડ મળી કુલ રૂ. 311.23 કરોડની રકમના કામોને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.