ગુજરાતમાં વીજળીનો દર ખાસ્સો ઊંચો હોવાથી કોલ્ડ સ્ટોરેજના સંચાલકો માટે ધંધો ચાલુ રાખવો મુશ્કેલ બની રહ્યો છે. વીજ બિલને કારણે તેમના ધંધા વાયેબલ ન રહેતા હોવાની એક ફરિયાદ સાથે ગુજરાત વીજ નિયમન પંચ સમક્ષ વીજદરને પુનર્ગઠિત કરી આપવાની માગણી પણ કરવામાં આવી છે. કોલ્ડ સ્ટોરેજના ધંધા ટકી રહે તે માટે મહારાષ્ટ્ર, ગોવા, ઓરિસ્સા અને હરિયાણાની સરકારે તેમને યુનિટદીઠ નોર્મલ કરતાં ઘણાં ઓછા દરે વીજ પુરવઠો આપવાની શરૃઆત કરી દીધી હોવાથી ગુજરાતના કોલ્ડસ્ટોરેજના માલિકોને પણ રાહતના દરે એટલે કે ખેડૂતોને જે દરે વીજળીનો પુરવઠો આપવામાં આવે છે તે દરે જ વીજ પુરવઠો આપવાની માગણી કરવામાં આવી છે. ગુજરાત કોલ્ડ સ્ટોરેજ એસોસિયેશન દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે ફળ અને શાકભાજી સહિતની કૃષિ ઉપજોનો થઈ રહેલો 30 ટકા જેટલો બગાડ ઘટાડવા માટે સરકાર ત્રણેક દાયકાથી કોલ્ડ સ્ટોરેજને પ્રમોટ કરી રહી છે. આ કોલ્ડ સ્ટોરેજ આવ્યા પછી ખેડૂતોને યોગ્ય લાગે તો તેમનો માલ કોલ્ડ સ્ટોરેજમાં મૂકી દઈને બજારમાં સારા દામ મળે ત્યારે વેચવાનું પસંદ કરતાં થયા હોવાથી તેમને ફાયદો પણ થયો છે.
પરંતુ સમય જતાં વીજળીના દરમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી અને કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવતા માલ થકી થતી આવકની તુલનાએ તેના વીજબિલ મોંઘા પડવા માંડયા હોવાથી તેમને માટે અસ્તિત્વ ટકાવવું કઠિન બની રહ્યું છે. ગુજરાતના અંદાજે 700થી વધુ કોલ્ડ સ્ટોરેજ માલિકો છેલ્લા થોડા વરસોથી અસ્તિત્વ ટકાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. એસોસિએશને આ સંદર્ભમાં ગુજરાત વીજ નિયમન પંચ સમક્ષ પિટીશન કરવાની તૈયારી કરી લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. વીજદરમાં ઘટાડો કરીને તેમને ખેડૂતોને જે દરથી વીજળીનો પુરવઠો આપવામાં આવે છે તે જ દરથી વીજપુરવઠો આપવાની માગણી કરવામાં આવી છે. ગુજરાતના કોલ્ડસ્ટોરેજને અત્યારે સરેરાશ રૂા. 8ની આસપાસના દરે એક યુનિટ વીજળીનો સપ્લાય આપવામાં આવી રહ્યો છે.