સોનલનગર વિસ્તારમાં આવેલા જામનગર મહાનગરપાલિકાના ઢોરના ડબ્બામાં ગાય માટે પીવાના પાણીની તેમજ તડકામાં છાયડા સહિતની સુવિધાનો અભાવ હોય વિપક્ષી નેતા સહિતના અગ્રણીઓ દ્વારા ઢોરના ડબ્બાની સરપ્રાઈઝ વીઝીટ કરવામાં આવી હતી અને અહીં પુરતી સુવિધા ઉભી કરવા માંગણી કરી હતી.
જામનગર શહેરમાંથી રખડતા ઢોરને પકડયા બાદ જામનગર મહાનગરપાલિકા દ્વારા સોનલનગર વિસ્તારમાં આવેલા ઢોરના ડબ્બામાં ગાયોને રાખવામાં આવે છે. જ્યાં માત્ર 30 દિવસમાં 70 થી વધુ ગાયોના મોત થતા હોવાનુંવિપક્ષે આક્ષેપ કર્યો છે. જામનગર મહાનગરપાલિકાના વિપક્ષી નેતા ધવલ નંદા સહિતના કોંગે્રસ અગ્રણીઓએ ઢોરના ડબ્બાની સરપ્રાઈઝ વિઝિટ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, અહીં ગાયોને છાયડો મળે તે માટે શેડની પુરતી વ્યવસ્થા નથી જેના પરિણામે ધોમધખતા તાપમાં દિવસભર ગાયો ખુલ્લામાં રહે છે. આ ઉપરાંત ગાયો માટે પીવાના પાણીની પણ પૂરતી વ્યવસ્થા નથી. તેમજ અહીં માત્ર 30 દિવસમાં 70 થી ગાયોના મોત થયાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
જામનગર મહાનગરપાલિકાના વિપક્ષી નેતા ધવલ નંદા, શહેર કોંગે્રસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, અલ્તાફ ખફી, આનંદ રાઠોડ, સાજીદ બ્લોચ સહિતના કોંગે્રસ અગ્રણીઓએ ઢોરના ડબ્બાની મુલાકાત લીધી હતી.