ખંભાળિયા તાલુકાના સલાયા ગામે ગઈકાલે બપોરે સ્થાનિક નગર પાલિકાના એક ટ્રેક્ટરના ચાલકે વિદ્યાર્થીનીને લઈને જઈ રહેલા યુવાનના મોટરસાયકલની સાથે અકસ્માત સર્જતા આ અકસ્માતમાં વિદ્યાર્થીની તરૂણીનું કરૂણ મૃત્યુ નિપજ્યું હતું.
આ બનાવ અંગેની જાણવા માટે વિગત મુજબ ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા અકબર કાસમભાઈ બુખારી નામના 33 વર્ષના સૈયદ મુસ્લિમ યુવાન તેમના જી.જે. 37 એ 2402 નંબરના ડિસ્કવર મોટરસાયકલમાં તેમની નવમા ધોરણમાં અભ્યાસ કરતી બહેન કમસીલ તથા તેણીની સાથે અભ્યાસ કરતી એક તરુણી વિદ્યાર્થીને સકીનાબેન બુખારીને સાથે લઈને શાળાએથી ઘરે જઈ રહ્યા હતા. ત્યારે સલાયા પોલીસ ચોકી નજીક પહોંચતા આ માર્ગ પરથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા નગરપાલિકાના ટ્રેક્ટરના ડ્રાઇવર નિઝામ અનવર સગરએ અકબરભાઈના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માતો સર્જ્યો હતો. જેના કારણે બાઈકમાં જઈ રહેલી વિદ્યાર્થીની કમસીલ સૈયદનું ગંભીર ઈજાઓ થવાના કારણે કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
ત્યારે મૃતકની સાથે જઈ રહેલી અન્ય વિદ્યાર્થીની સકીનાબેનને પણ નાની-મોટી ઇજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. જ્યારે મૃતકનું ખંભાળિયાની હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આ બનાવ અંગે સલાયા મરીન પોલીસે અકબર કાસમભાઈ બુખારીની ફરિયાદ પરથી નિઝામ અનવર સગર સામે આઈપીસી કલમ 279, 337, 304 (એ) તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.