દેશભરમાંથી ચોમાસાની વિદાય વચ્ચે હવે અરબી સમુદ્ર તથા બંગાળની ખાડી એમ બે વાવાઝોડા સિસ્ટમ સક્રીય બની છે. જો કે, ગુજરાતમાં અસરની શકયતા નહીંવત છે. તા.27મી સુધી રાજયમાં વાતાવરણ સુકુ જ રહેશે.
નૈઋત્ય ચોમાસાએ સમગ્ર દેશમાંથી વિદાય લઈ લીધી છે. હવે અરબી સમુદ્ર તથા બંગાળની ખાડીમાં બે જુદી-જુદી સિસ્ટમ સર્જાઈ છે. ગઈકાલે દક્ષિણ-પુર્વ અરબી સમુદ્રમાં લો-પ્રેસર હતું તે પશ્ચિમ તરફ ગતિ કરીને વેલમાર્ક લો-પ્રેસર બન્યા બાદ હવે ડીપ-ડીપ્રેસનમાં પરિવર્તિત થઈ ગયું છે. હાલ આ સિસ્ટમ દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્ર પર છવાયેલી છે અને મુખ્યત્વે પશ્ચીમ-ઉતર-પશ્ચિમ તરફ ગતિ કરે છે. દક્ષિણ ઓમાન તરફ આગળ ધપશે. આવતીકાલે વાવાઝોડામાં પરિવર્તિત થશે અને ત્યારબાદ પણ વાવાઝોડુ વધુ મજબૂત થશે. આ ઉપરાંત દક્ષિણ-પુર્વ બંગાળની ખાડીમાં અપર એર સાયકલોનિક સરકયુલેશન સર્જાયુ હતું તે આજે લો-પ્રેસરમાં રૂપાંતરીત થયુ છે. આજે તે દક્ષિણ-પશ્ર્ચિમ બંગાળની ખાડી તથા તેને લાગુ દક્ષિણ-પુર્વ બંગાળની ખાડી પર છે. આ સિસ્ટમ પણ આવતા દિવસોમાં ડીપ ડીપ્રેસનમાં પરિવર્તિત થશે.