દ્વારકા જિલ્લાના કુરંગા ગામ પાસે આવેલી ખાનગી કંપનીમાં વે બ્રીજ પાસેથી પસાર થતા ટ્રક ચાલકે સિકયોરીટી ગાર્ડને હડફેટે લઇ ચગદી નાખતા ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, દ્વારકાથી આશરે 35 કિલોમીટર દૂર કુરંગા ગામે આર.એસ.પી.એલ. કંપનીની અંદર આવેલા વે બ્રિજ પાસેથી જીજે-10-ઝેડ-7715 નંબરના એક ટ્રકના ચાલક ખાલીદ આમદભાઈ ગોહિલએ પોતાનો ટ્રક ગફલતભરી રીતે ચલાવતા આ સ્થળ પર રહેલા સિક્યુરિટી ગાર્ડ ધનંજયસિંહ મનોજસિંહ રાજપુત નામનો સિક્યુરિટી ગાર્ડ આ ટ્રકના તોતિંગ વ્હીલ હેઠળ કચડાઈ ગયો હતો. જેના કારણે ધનંજયસિંહ રાજપુતને શરીરના જુદા જુદા ભાગોમાં નાની-મોટી ઇજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે વિરમદેવસિંહ બળવંતસિંહ જાડેજાની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે ટ્રકના ચાલક ખાલીદભાઈ ગોહિલ સામે આઈ.પી.સી. કલમ 279, 304 (એ) તથા એ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, ધોરણસર કાર્યવાહી હાથ કરી છે.