જામનગર જિલ્લામાં આવતીકાલ તા.25 નવેમ્બર થી 27 નવેમ્બર સુધીમાં ગ્રામ વિસ્તારોમાં રહેતા અને કોરોના પ્રતિરોધક વેક્સિનનો બીજો ડોઝ લેવાનો જેમને સમય થઈ ચુક્યો છે તેવા ગ્રામજનોને આરોગ્યકર્મીઓ દ્વારા ઘરે-ઘરે જઈ વેક્સિનનો ડોઝ આપવામાં આવશે.
આ અંગે કલેક્ટર ડો.સૌરભ પારઘી અને જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ માઈક્રો આયોજન સાથે આવતીકાલ થી શનિવાર સુધી મેગા ઝુંબેશ હાથ ધરી એફ.એચ.ડબલ્યુ, આશાબહેનો વગેરે આરોગ્યકર્મીઓની ટીમ દ્વારા લોકોના ઘરે-ઘરે જઈ તેમને ઘરઆંગણે જ વેક્સિનનો બીજો ડોઝ આપવાની સુવિધા આપવામાં આવશે.
આ માટે જિલ્લા સ્તરે દરેક સબસેન્ટર દીઠ ક્લાસ વન-ટુ કક્ષાના નોડલ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે. જેઓ આ સર્વે કામગીરીનું સતત મોનિટરિંગ કરશે તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને મૂંઝવતા પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરી, લોકોને ખાસ સમજૂત કરી વેક્સિન અપાવવામાં મદદરૂપ થશે. હર ઘર દસ્તક કેમ્પેઇન અંતર્ગત આવતીકાલથી શનિવાર સુધીની ત્રણ દિવસની મેગા ઝુંબેશ ઉપરાંત આવશ્યકતા રહેશે તો વધું દિવસો લંબાવીને 30 નવેમ્બર સુધીમાં બીજો ડોઝ લેવાની લાયકાત ધરાવતા સર્વે ગ્રામજનોને રસીકરણ ઝુંબેશ હેઠળ આવરી લેવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગર જિલ્લાના ગ્રામ વિસ્તારોમાં આશરે 1 લાખ 10 હજાર જેટલા ગ્રામજનો બીજા ડોઝ માટે લાયકાત ધરાવે છે, જેઓને હાલ બીજો ડોઝ લેવાનો બાકી છે. આ ઝુંબેશ દ્વારા જામનગર જિલ્લાના સર્વે લોકોને આવરીને 100 ટકા વેક્સિનેશન કરી લોકોને વેક્સિનનું સુરક્ષા કવચ પૂરું પાડવા તંત્ર દ્વારા પ્રતિબદ્ધતા જાહેર કરાઈ છે ત્યારે લોકોને પણ કોઇ અફવાથી દોરાયા વિના વેક્સિનનો ડોઝ લઈ સુરક્ષિત થવા અનુરોધ કરવામાં આવે છે.