જામનગર તાલુકાના ધુતારપર ગામમાં આવેલી નિષ્ઠાનગરી વિસ્તારમાં પીજીવીસીએલની ટીમના ચેકીંગ દરમિયાન દંપતીએ જુનિયર એન્જીનીયરની ફરજમાં રૂકાવટ કરી અપશબ્દો બોલી ઝપાઝપી કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, ધ્રોલ ગામમાં રહેતાં અને પીજીવીસીએલમાં જૂનિયર એન્જીનિયર તરીકે ધ્રોલના પેટા વિભાગમાં ફરજ બજાવતા જીતેન્દ્ર અશોકભાઈ રાજા નામનો યુવાન સોમવારે સવારના સમયે તેના સ્ટાફ સાથે વીજચેકીંગ ડ્રાઈવમાં ચેકીંગ કામગીરી કરતાં હતાં તે દરમિયાન જામનગર તાલુકાના ધુતારપરમાં આવેલા નિષ્ઠાનગરી વિસ્તારમાં ચેકીંગ કાર્યવાહી અંતર્ગત રસિક વિઠ્ઠલ ભંડેરીના મકાનમાં ચેકીંગ સમયે રસિક ભંડેરી અને તેની પત્ની ઈલાબેન રસિક ભંડેરી નામના દંપતીએ જૂનીયર એન્જીનિયરની ફરજમાં રૂકાવટ કરી અપશબ્દો બોલી યુવાન સાથે ઝપાઝપી કરી હતી. ચેકીંગ દરમિયાન થયેલી માથાકૂટમાં પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે હેકો સી.જે. જાડેજા તથા સ્ટાફે દંપતી વિરૂધ્ધ ફરજમાં રૂકાવટ અને ઝપાઝપીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


