દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં વિદ્યાર્થીઓને થતી વ્યાપક કનડગત તથા સંચાલકોની કથિત મનમાની સામે વાલીઓના પ્રશ્ર્નોને વાચા આપવા એબીવીપી દ્વારા ગઈકાલે રામધુન બોલી અને વિરોધ વ્યક્ત કરતું લેખિત આવેદનપત્ર શાળાના સંચાલકો તથા શિક્ષણ વિભાગને પાઠવવામાં આવ્યું હતું.
ખંભાળિયાના રામનગર વિસ્તારમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં શાળાના ફાધર દ્વારા વિદ્યાર્થીઓને કોઇ દેખીતા કારણ વગર એલ.સી. આપી દેવાની ધમકી આપવા ઉપરાંત તેઓ અગાઉ જેલમાં જઈ ચૂકયા હોવાનું જણાવી અને ડરાવતા હોવાની વિદ્યાર્થીઓની ફરિયાદોથી વાલીઓમાં ઉગ્ર રોષની લાગણી જોવા મળી રહી છે. આટલું જ નહીં, ફાધર દ્વારા ભણવામાં નબળા વિદ્યાર્થીઓને જાહેરમાં ઉભા કરી અન્ય વિદ્યાર્થીઓ વચ્ચે અપમાનિત કરતા હોવાની ફરિયાદો પણ ઉઠવા પામી છે. આ સાથે અન્ય એક શિક્ષિકા તથા શિક્ષકની વર્તણૂંક સામે પણ વાલીઓ ખફા બન્યા છે. માતૃભાષા એવી ગુજરાતી સામે જાણે સુગ હોય તેવું વર્તન પણ અહીં થતું હોવા વચ્ચે વિદ્યાર્થીને પડતી હાલાકી અંગે યોગ્ય કરવાના બદલે તદ્દન તોછડું વર્તન થતું હોવાથી આ બાબતે અહીંના વાલીઓ દ્વારા લેખિત રીતે રજૂઆતો સાથે આ મુદ્દો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા હાથમાં લેવામાં આવ્યો છે.
અધૂરામાં પૂરું છેલ્લા ઘણા સમયથી શાળાના જુદા જુદા વિભાગોમાં સીસીટીવી કેમેરા પણ બંધ હોવાથી શાળાની શિક્ષિકાના હિટલરશાહી તથા એક શિક્ષકના અશોભનીય વર્તન સામે આવી શકતા નથી.
શાળામાં વિદ્યાર્થીઓને થતી હાલાકી તથા શાળા સંચાલકોની વર્તણૂંક હવે ત્રાસરૂપ બનતા એ.બી.વી.પી. ના કાર્યકરો ગઈકાલે સોમવારે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ખાતે દોડી ગયા હતા. અને રજુઆત કરવામાં આવે તે પૂર્વે જવાબદારો આ સ્થળેથી ગાયબ થઈ ગયા હતા. એ.બી.વી.પી. ના કાર્યકરોએ શાળાની ઓફિસમાં રામધૂન બોલાવી હતી.
વિદ્યાર્થીઓના પ્રશ્નો સંદર્ભે શાળા સંચાલકોને લેખિત પત્ર પાઠવી, વિદ્યાર્થીઓના પ્રશ્ર્નોનું તાકીદે નિરાકરણ નહીં લાવવામાં આવે તો વઘુ ઊગ્ર આંદોલન હાથ ધરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
તપાસ કરી, નોટીસ સહિતના પગલાં લેવામાં આવશે: જિલ્લા શિક્ષણાધિકારી છેલ્લા કેટલાક સમયથી ભારે ચર્ચામાં આવી ગયેલી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના આ વિવાદ સંદર્ભે અહીંના જિલ્લા શિક્ષણાધિકારી બી.એચ. વાઢેરે જણાવ્યું હતું કે શાળા સામે આવેલી આ લેખિત ફરિયાદી સંદર્ભે તપાસ કરી, નોટીસ સહિતની કાર્યવાહી કરવામાં આવશે. આ સમગ્ર પ્રકરણ હાલ શહેરભરમાં તથા શૈક્ષણીક વર્તુળોમાં ભારે ચર્ચાસ્પદ બની ગયું છે.