જામનગરમાં ઈન્દીરાકોલોની વિસ્તારમાં બુધવારે વહેલીસવારના સમયે બાઈક પર આવેલા ત્રણ શખ્સોએ બંદૂકની અણીએ મહિલા પાસેથી સોનાના દાગીના અને રોકડ રકમની લૂંટ ચલાવ્યાની ઘટનામાં પોલીસને પ્રાથમિક તપાસમાં જ બનાવ શંકાસ્પદ જણાતા જીણવટભરી તપાસ હાથ ધરતા આ બનાવ મનઘડત હોવાનું ખૂલ્યું હતું અને માતા-પુત્ર એ તરકટ રચ્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગરમાં નવાગામ ઘેડ ઈન્દીરા કોલોની વિસ્તારમાં રહેતા કેસુરભાઇ જોગલ નામના વ્યકિતના રહેણાંક મકાનમાં વહેલી સવારે ત્રણ સવારીમાં બંદૂકધારી લૂંટારુ ત્રાટકયા અને ઘરમાંથી 11 તોલા સોનુ અને 30 હજારની રોકડ રકમની લૂંટ ચલાવી ભાગી છૂટયા છે તેવી પોલીસ કંટ્રોલમાં મટુબેન જોગલ દ્વારા જાણ કરવામાં આવતા પોલીસ સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો અને ત્યારબાદ આ લૂંટના બનાવની તપાસ લોકલ ક્રાઈમ બ્રાંચ અને સીટી બી ડીવીઝન પોલીસનો કાફલો વહેલી સવારથી બપોર સુધી ધંધે લાગ્યો હતો અને આજુબાજુના વિસ્તારના તમામ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતાં પરંતુ એવી કોઇ શંકાસ્પદ હિલચાલ જણાઈ ન હતી. અથવા તો કોઇની અવર-જવર પણ જોવા મળી ન હતી. જેથી પોલીસને શંકા જતાં કેસુરભાઈ જોગલના પુત્ર બાબુ કે જે બેડી વિસ્તારમાંથી બોલાવીને પૂછપરછ કરતા આખરે તેણે લૂંટનો બનાવ એક તરકટ હોવાની કેફિયત આપી હતી.
તેમજ આ બોગસ લૂંટના બનાવમાં તેની માતા મટુબેને પણ મદદગારી કરી હતી. પોલીસે બાબુ જોગલની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, પોતાના છ વર્ષ પહેલાં લગ્ન થયા હતાં અને લગ્નના એક વર્ષમાં જ છુટાછેડા થઈ ગયા હતાં. દરમિયાન પોતાના પત્નીને ચડાવેલો સોનાનો હાર સહિતના દાગીનાઓ ઘરમાં રાખ્યા હતાં. આ ઉપરાંત પોતે લોકડાઉન પહેલાં જબલપુરમાં નોકરી પણ કરી હતી. જે દરમિયાન એક યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાઈ ગયો હતો તેને ગિફટ મોકલવા ઉપરાંત પોતે કબડી પ્લેયર હોવાથી જુદા-જુદા રાજ્યોમાં કબડી રમવા જતો હોવાથી કપડાં તથ અન્ય વસ્તુ ખરીદી કરવા માટે અને ક્રિકેટના સટ્ટામાં હારી ગયો હોવાથી તેનું ચૂકવણુ કરવા માટે સોનાનો હાર વહેંચી નાખ્યો હતો.
બાદમાં પોલીસે બાબુની માતા મટુબેનને બોલાવી પૂછપરછ કરતા તેણે આખરે કબુલી લીધું હતું. બાબુના મોટા ભાભી કે જેનો હાર પણ ઘરમાં જ હતો અને લગ્ન પ્રસંગમાં બહારગામ જવાનું હોવાથી તેણે સાસુ પાસે હારની માંગણી કરતા આખરે ભાંડો ફૂટી જાય તેમ હોવાથી સોનાના દાગીના અને રોકડની લૂંટ થઈ હોવાનું તરકટ રચ્યું હતું. આખરે પોલીસે આ પ્રકરણમાં નિવેદન લીધા છે અને લૂંટની ઘટના અંગે હાશકારો અનુભવ્યો છે.