જામનગર શહેરની આયુર્વેદ કોલેજના પ્રૌઢા સાથે 15 લાખની ઓનલાઈન ઠગાઈ થયાની ઘટના બાદ રિલાયન્સના કર્મચારી સાથે માર્કેટ કરતા ઓછા ભાવે શેર અપાવી દેવાની લાલચ આપી રૂા.60.36 લાખની છેતરપિંડીના વધુ એક બનાવે ચકચાર જગાવી છે. બંને છેતરપિંડીના બનાવમાં સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.
છેતરપિંડીના બનાવની વિગત મુજબ, જામનગર શહેરની કામદાર કોલોનીમાં રહેતાં અને બે દાયકાથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ફરજ બજાવતા પ્રતાપસિંઘ રામેશ્ર્વરસિંઘ તોમર નામના કર્મચારીને ગત તા. 30 એપ્રિલના રોજ અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો. જેમાં શેરખાન મેકસ ટે્રડીંગ કંપનીના શેરમાર્કેટમાં રોકાણ કરવા માટે વિશ્ર્વાસમાં લઇ માર્કેટ ભાવ કરતા ઓછા ભાવે શેર અપાવી દેવાની તથા આઈપીઓમાં પણ માર્કેટ કરતાં ઓછા ભાવે આપવાની લાલચ આપી હતી. જેમાં પ્રતાપસિંઘ આવી જતાં તેણે ટે્રડીંગ કરવાની ઈચ્છા બતાવી હતી. જેના આધારે ઠગભગતોએ રોકાણ કરવું હોય મોબાઇલમાં એપ ડાઉનલોડ કરી તેના દ્વારા રોકાણ કરવામાં આવશે તેમ જણાવતા પ્રતાપસિંઘએ શેરખાન મેકસ મોબાઇલ એપ્લીકેશન ડાઉનલોડ કરી હતી.
ત્યારબાદ મહિને એક લાખ રૂપિયાના પગાદાર પ્રતાપસિંઘે સસ્તા ભાવે શેર મેળવવાની લાલચમાં શરૂઆતમાં 7500 અને ત્યારબાદ 25,000 જમા કરાવ્યા હતા. જેથી પ્રતાપસિંઘને મોબાઇલ એપ્લીકશનમાં રોકાણ અને શેરોની વિગતો જોવા મળતા પ્રતાપસિંઘે એક મહિનાના સમય દરમિયાન જુદા જુદા બેંક ખાતાઓમાંથી આ ફેક એપ્લીકેશનમાં રૂા.60,36,000 જમા કરાવ્યા હતાં. માતબર રકમ મોબાઇલ એપ્લીકેશન દ્વારા જમા કરાવ્યા બાદ એક મહિના પછી રોકાણ કરેલી માતબર રકમની જરૂર પડતા પ્રતાપસિંઘે આ રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવવા કાર્યવાહી કરી હતી પરંતુ, આ રકમ વિડ્રો થઈ શકતી ન હતી. આથી આખરે કંટાળીને અજાણ્યા વ્યક્તિના વોટસએપ નંબર પર વાતચીત કરી હતી. જેથી જો તમારે રુપિયા જોતા હોય તો કુલ રકમના 20% પ્રોસેસીંગ ફી પેટે જમા કરાવવા પડશે તેવો જવાબ આપ્યો હતો. જેથી પ્રૌઢને શંકા જવાથી તેના પુત્ર અભિષેકસિંઘને વાત કરી હતી.
બાદમાં, પુત્ર અભિષેકસિંઘે શેરખાન મેકસ બાબતે તપાસ કરાવતા આવી કોઇ ઓનલાઈન ફાયનાન્સીયલ પેઢી અસ્તિત્વમાં નથી. તેથી તેના પિતા પ્રતાપસિંઘ સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા આખરે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પ્રતાપસિંઘે રતનાકર લીમીટેડ બેંક, કોટક મહિન્દ્રા બેંક, એકસીસ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, અને ઈન્ડીયન બેંકના ખાતા દ્વારા એક મહિનામાં 17 વખત ટ્રાન્જેકશન કરી રૂા.60,36,000 જમા કરાવ્યા હતાં. જે અંગેની ફરિયાદ નોંધી પીઆઈ એચ.વી. રાઠોડ તથા સ્ટાફે તપાસ હાથ ધરી હતી.