જામનગર શહેરમાં આણદાબાવા ચકલા વિસ્તારમાં પાઠક ફળીમાં આવેલા એપાર્ટમેન્ટમાં રહેતા શખ્સના ફલેટમાંથી 54 બોટલ દારૂ મળી આવતા પોલીસે શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. કાલાવડ તાલુકાના નાના વડાળા ગામમાં રહેતા શખસના મકાનમાંથી પોલીસે રેઈડ દરમિયાન 42 બોટલ દારૂ કબ્જે કરી બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર શહેરના આણદાબાવા ચકલામાં પાઠક ફળી વિસ્તારમાં આવેલા વર્ધમાન એપાર્ટમેન્ટમાં ત્રીજે માળે રહેતા કરણ ઉર્ફે દેવો હસમુખ પરમારના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પીએસઆઈ એમ.વી. મોઢવાડિયા તથા સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા ફલેટમાંથી રૂા.27000 ની કિંમતની દારૂની 54 બોટલ મળી આવતા પોલીસે કરણની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો પ્રફુલ્લ ઉર્ફે પાગો ખજુરિયા નામના શખ્સે સપ્લાય કર્યાનું ખૂલતા પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી પ્રફુલ્લની શોધખોળ આરંભી હતી.
બીજો દરોડો, કાલાવડ તાલુકાના નાના વડાળા ગામમાં રહેતાં અને મજુરીકામ કરતા સાહિલ બસીર સાહમદાર નામના શખ્સના મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો હોવાની એલસીબીના હરપાલસિંહ સોઢા અને યોગરાજસિંહ રાણાને મળેલી બાતમીના આધારે એલસીબીની ટીમે રેઈડ દરમિયાન તલાસી લેતા મકાનમાંથી રૂા.16800 ની કિંમતની 42 બોટલ ઈંગ્લીશ દારૂ મળી આવતા એલસીબીએ સાહિલની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા દારૂનો જથ્થો કાલાવડ તાલુકાના ડેરીવડાળા ગામના ગીરીરાજસિંહ ગજેન્દ્રસિંહ જાડેજા પાસેથી ખરીદ્યાની કેફીયત આપતા પોલીસે બન્ને શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.