જોડિયા તાલુકાના રણજીતપર ગામની સીમમાં આવેલી આજી નદીમાંથી રેતીની લીઝવાળી જગ્યામાં રેતી કાઢવા માટે રાખેલા બાઝ અને હુડકામાં ગેરકાયદેસર બાયોડીઝલનો ઉપયોગ કરાતો હોવાની બાતમીના આધારે એસઓજીની ટીમે રેઈડ દરમિયાન રૂા.1.82 લાખની કિંમતનો 2600 લીટર બાયોડીઝલનો જથ્થો ઝડપી લઇ સુરતના શખ્સની શોધખોળ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જોડિયા તાલુકાના બાલંભા અને રણજીતપર ગામની સીમમાં આવેલી આજી નદીના કાંઠે રેતીની લીઝવાળી જગ્યાએ પાણીમાંથી રેતી કાઢવા માટે રાખેલા બાઝ અને હુડકામાં ગેરકાયદેસર ભેળસેળયુકત બાયોડીઝલ જેવા જ્વલનશીલ ઈંધણનો ઉપયોગ કરાતો હોવાની મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી ઈન્ચાર્જ પીઆઇ આર.વી. વીંછી તથા સ્ટાફે રેઈડ દરમિયાન સ્થળ પરથી રૂા.1,82,000 ની કિંમતનો બાયોડીઝલનો 2600 લીટરનો જથ્થો કબ્જે કરી તપાસ હાથ ધરતા આ પ્રકરણમાં સુરતના પ્રદિપ નાગરાજ સોની નામના શખ્સની સંડોવણી ખુલ્લી હતી. જેથી એસઓજીની ટીમે પ્રદિપ વિરૂધ્ધ ગુનો નોંધી જોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પ્રદિપની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.