દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠે બિન વારસુ એવા ચરસના બે પેકેટ મળી આવતા પોલીસ દ્વારા ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.
આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ સૂત્રો દ્વારા સાંપળેલી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના લાંબા ગામના દરિયા કિનારે ભીમરીયા પોઈન્ટ ખાતે એસઆરડીના સભ્ય આલાભા રાયાભા માણેક દ્વારા પેટ્રોલિંગ અંગેની કામગીરી ચાલી રહી હતી, ત્યારે રાત્રિના આશરે બારેક વાગ્યાના સમયે દરિયાકાંઠા વિસ્તારમાં જાંબલી તથા લાલ કલરના પ્લાસ્ટિક પેકિંગમાં બે પેકેટ બિન વારસુ જોવા મળ્યા હતા. જેના ઉપર અરેબિયન પ્રીમિયમ કાફે જેવું લખાણ લખ્યું હતું. આથી તેમના દ્વારા આ અંગે જિલ્લા એસ.ઓ.જી. વિભાગને જાણ કરવામાં આવતા કલ્યાણપુર પોલીસ મથકના પી.એસ.આઈ. એફ.બી. ગગનીયા તથા સર્કલ આર.બી. સોલંકી તેમજ સ્ટાફ દ્વારા આ બંને પેકેટ કબજે કરી અને તપાસ કરતા આ બંને પેકેટ માદક પદાર્થ હોવાનું ધ્યાન આવ્યું હતું.
આમ, કુલ 3,37,860 ની કિંમતના 2252.4 ગ્રામ ચરસનો જથ્થો હોવાથી પોલીસે એનડીપીએસ એક્ટની જુદી જુદી કલમ મુજબ ઉપરોક્ત બંને પેકેટ હાલ કબજે લીધા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ગીર સોમનાથના માંગરોળ ખાતેથી 86 પેકેટ તેમજ પોરબંદરના માધુપુર વિસ્તારમાંથી વીસ પેકેટ માદક પદાર્થનો જથ્થો બિનવારસુ મળી આવ્યો હતો. આ જ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લાના લાંબા વિસ્તારના દરિયા કિનારેથી પણ આજરોજ બે પેકેટ ચરસ મળી આવતા પોલીસે કોઈ શખ્સો દ્વારા હેરાફેરી દરમિયાન પકડાઈ જવાના સંભવિત ડરથી આ જથ્થો છોડી દીધો હોવાનું અનુમાન વ્યક્ત કરી, આરોપીઓને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
આ સમગ્ર કાર્યવાહી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ સી.પી.આઈ. આર.બી. સોલંકી, પી.એસ.આઈ. એફ.બી. ગગનીયા, એ.એસ.આઈ હરદેવસિંહ જાડેજા, ભીખાભાઈ ગાગીયા વિગેરે દ્વારા કરવામાં આવી હતી. જેમાં આગળની તપાસ એસ.ઓ.જી. પોલીસ દ્વારા ચલાવાઇ રહી છે.