જામનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજીયોનલ કોન્ફરન્સની શૃંખલા અંતર્ગત રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને લેઉઆ પટેલ સમાજ ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને વિવિધ 9 કંપનીઓ વચ્ચે રૂ. 5716 કરોડની રકમના એમ.ઓ.યુ. એક્ષચેન્જ કરવામાં આવ્યા હતા. જેના થકી અંદાજે 2100 જેટલા લોકોને રોજગારી મળશે. અને મંત્રીના હસ્તે વાજપાઈ બેંકેબલ યોજનાની સહાયના લાભાર્થીઓને વ્યવસાય માટેના લોડિંગ વાહનની ચાવી અર્પણ કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, વાયબ્રન્ટ ગુજરાત માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ ગુજરાતના વિકાસની દ્રષ્ટિ, આત્મનિર્ભરતાનો સંકલ્પ અને વિશ્વ સાથે સ્પર્ધા કરવાની શક્તિનું પ્રતીક છે. વડાપ્રધાનના દ્રષ્ટિપૂર્ણ નેતૃત્વ હેઠળ શરૂ થયેલી વાયબ્રન્ટ ગુજરાત પહેલે આજે ગુજરાતને વૈશ્વિક રોકાણકારો માટે પસંદગીનું કેન્દ્ર બન્યું છે.
View this post on Instagram
જામનગર જિલ્લો ઔદ્યોગિક દ્રષ્ટિએ અનન્ય સ્થાન ધરાવે છે. બ્રાસ પાર્ટ ઉદ્યોગ હોય કે બાંધણી, રિફાઈનરી અને પેટ્રોકેમિકલ ક્ષેત્ર, બંદર આધારિત પ્રવૃત્તિઓ હોય કે પરંપરાગત કારીગરી જામનગરે હંમેશા વિકાસના નવા આયામો સ્થાપ્યા છે. અહીંના ઉદ્યોગ સાહસિકોની મહેનત અને કુશળતાએ જામનગરને ‘બ્રાસ સિટી ઓફ ઈન્ડિયા’ તરીકે ઓળખ અપાવી છે.
રાજકોટ ખાતે યોજાનાર રિજિયોનલ સમિટ દ્વારા રાજ્ય સરકારનો મુખ્ય ઉદ્દેશ એ છે કે, જિલ્લાકક્ષાએ રહેલી ઉદ્યોગિક તકોને ઓળખી શકાય, સ્થાનિક ઉદ્યોગકારોને પ્રોત્સાહન મળી શકે અને રોજગાર સર્જનને વધુ ગતિ મળે. ખાસ કરીને MSME, સ્ટાર્ટઅપ્સ, મહિલા ઉદ્યોગસાહસિકો અને યુવાનો માટે સુવર્ણ તક છે. ગુજરાત સરકાર “ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ”ના સિદ્ધાંતને મજબૂત બનાવી રહી છે. પારદર્શક નીતિઓ, ઝડપી મંજૂરી પ્રક્રિયા અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે આજે રોકાણકારોને વિશ્વાસ મળે છે.
ઉદ્યોગકારો સંપતિના સર્જકો અને દેશની પ્રગતિના મુખ્ય વાહકો પૈકીના એક છે. લોકોને રોજગારી આપવાનું કામ ઉદ્યોગકારો કરે છે. જામનગરમાં ઓઇલ રિફાઇનરી, બાંધણી અને બ્રાસપાર્ટના ઉદ્યોગો થકી હજારો લોકો રોજગારી મેળવી રહ્યા છે. જામનગરના ઉદ્યોગકારોએ ટેકનોલોજી અપગ્રેડેશન અને માર્કેટ રિસર્ચ સાથે આધુનિક ટેકનોલોજીને વ્યવસાયમાં અપનાવી છે. ગુજરાતને વૈશ્વિકફલક ઉપર ઓળખ અપાવવામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું મહત્વનું યોગદાન રહ્યું છે.
જામનગર જિલ્લામાં આવનારા દિવસોમાં નવા ઉદ્યોગો, નવી ટેકનોલોજી અને નવા રોજગારની વિશાળ સંભાવનાઓ છે. ત્યારે રાજકોટ ખાતે યોજાનાર વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સમાં જામનગર જિલ્લાના ઉદ્યોગકારોને ભાગ લેવા મંત્રી એ અપીલ કરી હતી.
રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, બાંધણી ઉદ્યોગ જામનગરની સાંસ્કૃતિક ઓળખ છે. જામનગરમાં બાંધણી ઉદ્યોગના પરિણામે મહિલાઓ રોજગારી મેળવી આત્મનિર્ભર બની છે. જામનગરની બાંધણીને મળેલ જીઆઈ ટેગ અને જામનગરના બ્રાસપાર્ટ ઉદ્યોગમાં કામ કરતા કારીગરો અને ઉદ્યોગકારોની મહેનતના પરિણામે જામનગરમાં ઈસરો અને નાસા જેવી સંસ્થાઓના પણ બ્રાસ પાર્ટનું નિર્માણ થયું છે. જે આપણા માટે ગૌરવની વાત છે. જામનગરનો બ્રાસ પાર્ટ ઉદ્યોગ અને બાંધણી ઉદ્યોગ બંને ગુજરાતની આર્થિક અને સાંસ્કૃતિક સમૃદ્ધિનું પ્રતિબિંબ છે. એક તરફ આધુનિક ઉદ્યોગ દ્વારા રોજગાર અને નિકાસમાં વધારો થાય છે, તો બીજી તરફ પરંપરાગત કલા દ્વારા સાંસ્કૃતિક વારસાનું સંરક્ષણ થાય છે. સરકારના સહયોગ અને સ્થાનિક કારીગરોની મહેનતથી જામનગર આ બંને ક્ષેત્રોમાં સતત પ્રગતિ કરી રહ્યું છે.
વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ ગુજરાત સરકારની દ્રષ્ટિ, વિકાસપ્રતિબદ્ધતા અને સર્વાંગી પ્રગતિનું સશક્ત પ્રતિબિંબ છે. આ કોન્ફરન્સ થકી રાજ્યના વિવિધ જિલ્લાઓની શક્તિ, સંભાવનાઓ અને સ્થાનિક ઉદ્યોગોને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે રજૂ કરવાની મહત્વપૂર્ણ તક મળશે.
જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ રામજીભાઈ ગઢિયા અને મે. માઈક્રોટેક મેટલ ઇન્ડસ્ટ્રીઝના અશોકભાઈ દોમડીયાએ બ્રાસ ઇન્ડસ્ટ્રીઝને લગત પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા. ત્યારબાદ વિવિધ વિષયો પર નિષ્ણાંતો દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ, SME ઇનોવેશન લાઇક અ કોર્પોરેટ ઇનોવેશન, ગ્લોબલ સિનારીઓ અને એક્સપોર્ટ્સ, ક્રેડિટ લિંકેજ સેમિનાર, PMFME યોજના, સ્કિલિંગ યુથ એન્ડ ક્રિએટીંગ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી, વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ વિશે પ્રેઝન્ટેશન અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા અમલી વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં વિવિધ 25 જેટલા સ્ટોલ્સનું પ્રદર્શન જેમાં બ્રાસપાર્ટ્સને લગત સ્ટોલ, બાંધણીના સ્ટોલ, હસ્તકલાના સ્ટોલ જેવા વિવિધ સ્ટોલનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. મંત્રી સહિતના મહાનુભાવોએ આ સ્ટોલ્સની મુલાકાત લઈ તેમની સાથે સંવાદ કર્યો હતો.
આ કાર્યક્રમમાં ઇન્ડેક્ષ્ટ-બી ના મેનેજિંગ ડાયરેક્ટ કે.સી.સંપટ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મેયબેન ગરસર, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, કલેક્ટર કેતન ઠક્કર, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, એ.એસ.પી. પ્રતિભા, અગ્રણીઓ બીનાબેન કોઠારી અને ડો.વિનોદભાઈ ભંડેરી, ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ રમણીકભાઈ અકબરી, GIDC ફેઝ-૨ એસોસીએશનના પ્રમુખ વિષ્ણુભાઈ પાંભાર, લઘુઉદ્યોગ ભારતી એસોસીએશનના પ્રમુખ જયેશભાઈ સંઘાણી, જામનગર સહકારી ઉદ્યોગ સંઘ લી. એસોસીએશનના પ્રમુખ ધીરજલાલ કારીયા, એમપીશાહ મ્યુ. ઉદ્યોગનગર એસોસીએશનના પ્રમુખ સરદારસિંહ જાડેજા, વિવિધ એસોસીએશનના હોદ્દેદારો, અધિકારી ઓ, ઉદ્યોગકારો તથા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.


