જામનગર વૈષ્ણવ સમાજ દ્વારા આજરોજ શ્રીમદ્ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો 545મો પ્રાકટ્ય ઉત્સવની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી. જેના ભાગરૂપે આજે સવારે પ્રભાતફેરી યોજાયા બાદ સાંજે શોભાયાત્રાનું આયોજન કરાર્યું હતું. જેમાં વૈષ્ણવ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
આ ઉત્સવ જામનગરની મોટી હવેલીના ગાદીપતિ પુષ્ટિ સિદ્ધાન્ત સંરક્ષણ શિરોમણિ મહાકવિ પૂ.પા.ગો. 108 હરિરાયજી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી તેમજ યુવા વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો. વલ્લભરાયજી મહોદયની અધ્યક્ષતામાં તથા પૂ.પા.ગો. રસાર્દ્રરાયજી પૂ.પા.ગો. પ્રેમાર્દ્રરાયજીના સાનિધ્યમાં પુષ્ટિ સંપ્રદાય મોટી હવેલી ટ્રસ્ટ, જામનગર વૈષ્ણવ સમાજ તથા મોટી હવેલીમાં કાર્યરત તમામ સંસ્થાઓના સંયુકત ઉપક્રમે ચૈત્ર વદ 11-12 (એકાદશી અને દ્વાદશી) તદનુસાર 26 અને 27 એપ્રીલ 2022 એમ બે દિવસ મનાવવામાં આવશે.
આજરોજ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પ્રાકટય ઉત્સવ નિમિત્તે સાંજે સંધ્યા આરતીના દર્શન બાદ વિશાળ શોભાયાત્રા યોજાઇ હતી. જે મોટી હવેલીથી પ્રસ્થાન થઇ વાણીયા વાડ, ચાંદી બજાર ચોક, માંડવી ટાવર, સેતાવાડ, હવાઇચોક, વૈજનાથ મહાદેવ મંદિર, આકાશગંગા એપાર્ટમેન્ટ, જલાનીજાર થઇ મોટી હવેલી ખાતે પૂર્ણ થઇ હતી.