જામનગરનો હિરજી મિસ્ત્રી રોડ-નવાનગર બેંક સર્કલ- પ્રણામી સ્કૂલ વાળો વિસ્તાર રહેણાંકની દ્રષ્ટિએ, ઉદ્યોગનગર નજીક હોવાને કારણે પ્રાઇમ લોકેશન છે. અહીં જમીનનો ભાવ જબ્બર છે અને નવા બાંધકામ માટે જમીન શોધવી સૌ માટે મુશ્કેલ છે. પરંતુ રાજય સરકારની નવી નીતિને કારણે સરકારી જમીન પર પણ મોંઘીદાટ ખાનગી ઇમારત બનાવવાની સુવિધાઓ આધુનિક ગુજરાતમાં ઉપલબ્ધ હોય, બાહુબલીઓને મોજ હોવાનું દેખાઇ રહ્યું છે.
હિરજી મિસ્ત્રી ચાર રસ્તાના ખુણા પર પ્રણામી સ્કૂલની અડોઅડ ગુજરાત હાઉસિંગ બોર્ડની જૂની કચેરી અને પોસ્ટ ઓફિસ સહિતના બાંધકામ હતાં. આ જમીન અતિશય કિંમતી છે. તાજેતરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડે મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા અને એસ્ટેટ શાખાના સહયોગથી એક ઉઘડતી સવારે આ જગ્યામાં ડિમોલિશન ઓપરેશન ખુબ જ ગુપ્ત રીતે અને ઉતાવળથી શરૂ કરી દીધું હતું. આ સ્થળે મેદાન બનાવી નાખવામાં આવ્યું છે. જયાં થોડાં જ દિવસમાં પાયા ખોદાઇ ગયા અને 7 માળની ઇમારત માટેના કોલમ ઉભા કરવા લોખંડ પણ બાંધી લેવામાં આવ્યું છે.
આ સ્થળે બનનારી સાત માળની ઉમારતમાં ગ્રાઉન્ડ ફલોર પર દુકાનો બનશે. આ દુકાનોના વેચાણના રૂપિયા ખાનગી પાર્ટીના ખિસ્સામાં જશે,ભલે આ જમીન સરકારી રહી! આ ઇમારતનો પ્રથમમાળ ગુજરાત હાઉસિંગ બોર્ડને કચેરી બનાવવા આપવામાં આવશે. આ ઇમારતના ઉપરના પાંચમાળ પર પ્રત્યેક માળે બબ્બે વૈભવી ફલેટ બનશે. આ ફલેટસ તોતિંગ કિંમતે બજારમાં વેચાશે. જોકે, અત્યાર સુધીમાં તો આ ફલેટમાં કોણ રહેવા આવશે? તે પણ નકકી થઇ ગયું હશે. આ સ્થળે બાંધકામ કરવાની અને બાંધકામ વેંચવાની મંજૂરી ગુજરાત હાઉસિંગ બોર્ડની રાજકોટ કચેરીએ ગાંધીનગરની સુચનાથી આપી છે. ગુજરાત સરકાર સોસાયટી રિડેવલોપમેન્ટની યોજના લાવી છે. આ યોજના હેઠળ રાજય ભરમાં ઘણાં જૂના બાંધકામોની જગ્યાએ નવા બાંધકામો ખાનગી પાર્ટીઓ બનાવી રહી છે. આવાસ યોજનાઓની માફક આ યોજનામાં પણ બાહૂબલી બિલ્ડરો કરોડો રૂપિયા કમાશે. એમાં શંકાને કોઇ સ્થાન નથી. હિરજી મિસ્ત્રી રોડ ખાતેનું આ કામ અમદાવાદની વ્યાપ્તિ વંદેમાતરમ્ પ્રા.લિમીટેડ એજન્સીને આપવામાં આવ્યું છે.
અત્રે એ નોંધનીય છે કે, થોડાં સપ્તાહો પૂર્વે જે દિવસે સવારે આઠ વાગ્યા પહેલાં આ સ્થળે ઓપરેશન ડિમોલિશન કરવામાં આવ્યું હતું એજ દિવસે સવારે 11 વાગ્યે જામનગરની અદાલતમાં આ મામલે એક કેસનો નિર્ણય થવાનો હતો. પરંતુ વહેલી સવારે ગુજરાત હાઉસિંગ બોર્ડ અને જામનગર મહાનગરપાલિકા દ્વારા અત્રે ડિમોલિશનનો ખેલ પાડી દેવામાં આવ્યો હતો, જે સૌ ને યાદ હશે.
અત્રે એ નોંધનીય છે કે, અગાઉના વર્ષોમાં અને દાયકાઓમાં જમીનોની ખાસ કોઇ કિંમત ન હતી. જેના કારણે સરકારી બાંધકામો અને ખાનગી સોસાયટીઓના બાંધકામોમાં બે અથવા ત્રણ માળના મકાનો બનાવવામાં આવતાં હતાં. સરકારની આ રિડેવલોપમેન્ટ પોલીસી હેઠળ આ પ્રકારના નાની હાઇટના સરકારી અથવા ખાનગી બાંધકામોની જગ્યાએ નવા, ઉંચા અને વધુમાં વધુ એફએસઆઇનો ઉપયોગ કરીને બાંધકામો કરવાથી લોકોને વધુ રહેણાંક મકાનો ઉપલબ્ધ બની શકે. પરંતુ જામનગરના આ કેસમાં જોવાં મળ્યું છે કે, યોજનાનો મુળ હેતુ બાજુ પર મૂકી કોમર્શિયલ બાંધકામની જગ્યાએ કોર્પોરેશને પાડતોડ કરી હાઉસિંગ બોર્ડને નવી ઇમારત બિલ્ડરના લાભાર્થે બનાવવા માટેની વ્યવસ્થા કરી આપી છે.