જામનગર શહેરમાં આવેલાં ખંભાળિયા ગેઇટ પોલીસ ચોકીમાં ફરજ બજાવતાં હેડ કોન્સ્ટેબલને આજે તેના જ પોલીસ સ્ટેશનમાં એસીબીની ટીમે લાંચ લેતાં રંગે હાથ ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેમાં રહેતાં જાગૃત નાગરિકના માણસો વિરૂધ્ધ થયેલી અરજી સંદર્ભે ખંભાળિયા ગેઇટ પોલીસ ચોકીમાં ફરજ બજાવતાં હેડ કોન્સ્ટેબલ અરજણ ખીમા ડાંગર નામના પોલીસ કર્મચારીએ જાગૃત નાગરિક પાસેથી તેના માણસોને હેરાન નહીં કરવા અને માર નહીં મારવા પેટે રૂા.6000ની લાંચ માંગી હતી અને આ લાંચ પેટે રૂા.3500 આપી દીધા હતાં. તેમજ બાકીના રૂા.2500 આજે ચુકવવાના હતાં.
દરમ્યાન જાગૃત નાગરિકે એસીબીમાં ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે રાજકોટ ઇન્ચાર્જ મમદનીશ નિયામક આર.આર.સોલંકીના માર્ગદર્શન હેઠળ પીઆઇ એ.ડી. પરમાર તથા સ્ટાફે આજે સવારે છટકુ ગોઠવીને ખંભાળિયા ગેઇટ પોલીસ ચોકીમાંથી હેડ કોન્સ્ટેબલ અરજણ ખીમા ડાંગર નામના પોલીસકર્મચારીને રંગે હાથ ઝડપી લઇ ધરપકડ કરી કોવિડ પરિક્ષણ કરાવવાની તજવીજ હાથ ધરી હતી.વધુ એક પોલીસકર્મચારી લાંચ લેતાં ઝડપાતા પોલીસ બેડામાં ફફડાટ ફેલાઇ ગયો છે.