ખંભાળિયા પંથકમાં સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઈ. હેમતભાઈ નંદાણીયા તેમજ યોગરાજસિંહ ઝાલાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના માંઝા ગામે પાણીના ટાકા પાસે રહેતા હરીશ દેવીયાભાઈ કારીયા નામના શખ્સના રહેણાંક મકાનમાં દરોડો પાડી, આ સ્થળે છુપાવીને રાખવામાં આવેલી જુદી જુદી બ્રાન્ડની કુલ 254 બોટલ વિદેશી દારૂની બોટલનો જથ્થો પોલીસને હાથ લાગ્યો હતો.
આ પ્રકરણમાં પોલીસે રૂપિયા 64,800 ની કિંમતના વિદેશી દારૂ તેમજ રૂા. 5,000ની કિંમતના એક મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 69,800 ના મુદ્દામાલ સાથે આરોપી હરીશ કારીયાની અટકાયત કરી હતી. આ પ્રકરણમાં મહેસાણા તાલુકાના સાંથલ ગામના વિરેન્દ્રસિંહ ઉર્ફે રીન્કુ અર્જુનસિંહ ઝાલા નામના શખ્સની પણ સંડોવણી હોવાનું ખુલતા પોલીસે તેને હાલ ફરાર જાહેર કરી, આગળની તપાસ હાથ ધરી છે.