જામનગર શહેરના ઢીચડા રોડ પર આવેલા સેના નગરમાં શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી આધારે સીટી-સી પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન તલાશી લેતાં મકાનમાંથી રૂા.47,500ની કિંમતની 95 બોટલ ઇંગ્લીશ દારૂ સાથે શખ્સની ધરપકડ કરી 3 શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી. લાલપુર ગામમાં રહેણાંક મકાનમાંથી પોલીસે રેઇડ દરમ્યાન 60 બોટલ દારૂ સાથે બે શખ્સને ઝડપી લઇ ચાર શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગર શહેરના ઢીંચડા રોડ પર આવેલા સેના નગરમાં રહેતાં રાહુલ ભીખુ નામના શખ્સના મકાનમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો હોવાની હેકો.ફેઝલ ચાવડા અને પો.કો.હિતેન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સુચનાથી ડીવાયએસપી જે.એન.ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઇ કે.એલ.ગાધે, પીએસઆઇ કે.આર.સીસોદિયા, હેકો ફેજલ ચાવડા, પ્રદિપસિંહ જાડેજા, જાવેદભાઈ વજગોળ, મહેન્દ્રસિંહ ચુડાસમા, પો.કો. ખીમશીભાઇ ડાંગર, વિજયભાઈ કાનાણી, હિતેન્દ્રસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, હરદીપ બારડ, રવિ શર્મા, વિપુલ સોનાગરા સહિતના સ્ટાફે રેઇડ દરમ્યાન મકાનમાં તલાશી લેતાં રૂા.47,500ની કિંમતની 95 બોટલ ઇંગ્લીશ દારૂ મળી આવતાં પોલીસે રાહુલ ભીખુ સીંગરખીયા નામના શખ્સની ધરપકડ કરી પુછપરછ હાથ ધરતાં આ દારૂનો જથ્થો જુગલ ઉર્ફે જીગર રબારી તથા રાજુ મોરી નામના બે શખ્સો પાસેથી ખરીદયાની કેફિયત આપતાં પોલીસે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બીજો દરોડો લાલપુર ગામમાં હુસેની ચોક પાસે રહેતાં હાજી ઇબ્રાહિમ નામના શખ્સના મકામાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઇડ દરમ્યાન તલાશી લેતાં મકામાંથી રૂા.30,000 ની કિંમતની ઇંગ્લીશ દારૂની 60 બોટલો મળી આવતાં પોલીસે ઘરમાં રહેલાં વસીમ અબ્બાસ રાઉકરડા અને રહીમ ઉર્ફે ભીખો આમદ નોયડા નામના બે શખ્સોને ઝડપી લીધાં હતાં. અને હાજર નહીં મળેલાં હાજી ઇબ્રાહિમ તથા અલી મામદ ઉર્ફે રાજુ મામદ રાઉકરડા નામના ચાર શખ્સો સામે ગુનો નોંધી બે શખ્સોની શોધખોળ આરંભી હતી.


