લાલપુર તાલુકાના ખાયડી ગામમાં રહેતા શખ્સના મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે લાલપુર પોલીસે રેઈડ દરમિયાન રૂા.66,500 ની કિંમતની 133 બોટલ દારૂ ઝડપી લઇ શખ્સની ધરપકડ કરી હતી. જામનગર શહેરમાં ગુરૂદ્વારા ચોકડી પાસેથી પસાર થતા બે શખ્સોની તલાસી લેતા તેમની પાસેથી ઇંગ્લીશ દારૂની 24 બોટલ મળી આવતા ધરપકડ કરી હતી. જામનગરના ગુલાબનગર પાસેથી પોલીસે 36 બોટલ દારૂ અને ચપટા સાથે શખ્સને ઝડપી લીધો હતો. જામનગર તાલુકાના નાઘેડી ગામના પાટીયા પાસેથી દારૂના જથ્થા સાથે પોલીસે બે શખ્સોને ઝડપી લીધા હતાં.
દરોડાની વિગત મુજબ, લાલપુર તાલુકાના ખાયડી ગામમાં ઝાપા પાસે રહેતા અને વાણંદ પાસે રહેતાં કમલેશ ઉર્ફે લાલુ કિશોર જોટંગીયાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પીએસઆઈ એસ.ડી. ગોહિલ અને સ્ટાફ દ્વારા રેઈડ કરવામાં આવી હતી. દરમિયાન મકાનમાંથી તલાસી લેતા રૂ.66500 ની કિંમતની જુદી જુદી બનાવટની ઈંગ્લીશ દારૂની 133 બોટલ મળી આવતા પોલીસે કમલેશ ઉર્ફે લાલુ જોટંગીયાની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા આ દારૂના જથ્થામાં કલ્પેશ કિશોર જોટંગીયા નામના તેના જ ભાઇની સંડોવણી હોવાની કેફિયત આપતા પોલીસે બંને ભાઇઓ વિરૂધ્ધ ગુનો નોંધી કલ્પેશની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
બીજો દરોડો, જામનગર શહેરમાં ગુરૂદ્વારા ચોકડી પાસેથી પસાર થતા વિક્રાંત ઉર્ફે વિકી મહેન્દ્ર ગાંગડિયા, મનોજ ઉર્ફે મનો કાલીદાસ બાવાજી નામના બે શખ્સોને સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.12000 ની કિંમતની દારૂની 24 બોટલ મળી આવતા પોલીસે દારૂની બોટલ અને રૂા.4200ની કિંમતના ત્રણ મોબાઇલ ફોન મળી કુલ રૂા.16200નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બંનેની પુછપરછ હાથ ધરતાં દારૂનો જથ્થો દરેડના રાજેશ માતંગ દ્વારા સપ્લાય કરાયાની કેફિયતના આધારે પોલીસે રાજેશની શોધખોળ આરંભી હતી.
ત્રીજો દરોડો, જામનગર શહેરમાં મોહનનગર ઢાળિયા પાસેના વિસ્તારમાં રહેતાં મનિષ હિરા સોલંકી નામના શખ્સના મકાનમાંથી સીટી એ પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસ લેતા રૂા.18000 ની કિંમતની 36 બોટલ ઈંગ્લીશ દારૂ અને રૂા.8000 ની કિંમતના 80 નંગ પ્લાસ્ટિકના ચપલા મળી આવતા પોલીસે મનિષની ધરપકડ કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
ચોથો દરોડો, જામનગર તાલુકાના નાઘેડી ગામના પાટીયા પાસેથી બાઇક પર પસાર થતા મજબુતસિંહ જશુભા જાડેજા અને પૃથ્વીરાજસિંહ સહદેવસિંહ રાઠોડ નામના બે શખ્સોને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.6000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 15 બોટલ મળી આવતા પોલીસે રૂા.6000 ની કિંમતનો દારૂ અને રૂા.10 હજારની કિંમતના બે મોબાઇલ તથા રૂા.30 હજારની કિંમતનું બાઈક મળી કુલ રૂા.46000 ના મુદ્દામાલ સાથે બંને શખસને દબોચી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પાંચમો દરોડો, જામનગર શહેરના વૃંદાવન પાર્ક 2 વિસ્તારમાંથી પસાર થતા મયુરસિંહ પ્રવિણસિંહ ચૌહાણ નામના શખ્સને આંતરીને સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે તલાસ લેતા તેના કબ્જામાંથી રૂા.600ની કિંમતના છ નંગ ચપલા મળી આવતા પુછપરછ કરતા આ દારૂના ચપલા દિપક જયસુખ રાઠોડ નામના શખ્સે સપ્લાય કર્યો હોવાનું ખુલતા પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
છઠો દરોડો, જામનગર શહેરના ગોકુલદર્શન સોસાયટી ગેઈટ નંબર 2 પાસેથી પસાર થતા નિકુંજ અનિલ ચોવટીયા નામના શખ્સને સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.2000 ની કિંમતના 20 નંગ ચપલા મળી આવતા નિકુંજની ધરપકડ કરી વધુ તપાસ આરંભી હતી.