જામનગર શહેરમાં અંધાશ્રમ આવાસમાં રહેતા યુવાને મંગળવારે બપોરના સમયે તેના ઘર નજીક પાનની કેબિને મસાલો ખાવા ગયો હતો જો કે, કેબિન બંધ હોવાથી ત્યાં રહેલા વ્યક્તિ પાસે મસાલો માગતા ઉશ્કેરાયેલા શખ્સ અને અન્ય ત્રણ સહિતના ચાર શખ્સોએ યુવાન ઉપર લોખંડના પાઈપ, છરી અને તલવારો વડે જીવલેણ હુમલો કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
હત્યાના પ્રયાસના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં અંધાશ્રમ આવાસ બ્લોક નં.82 અને રૂમ નં.10 માં રહેતાં તથા ડ્રાઈવિંગ કરતા જીતુભા વકતાજી જાડેજા (ઉ.વ.27) નામનો યુવાન તેના ઘર પાસે આવેલી પાન મકાસાની કેબિને મંગળવારે બપોરના સમયે મસાલો ખાવા ગયો હતો તે દરમિયાન કેબિન બંધ હોય તેથી ત્યાં ઉભા રહી મસાલો બનાવતા મુકેશ વિજય થાપલિયા નામના શખ્સ પાસે મસાલો માંગતા મુકેશ થાપલિયા અને અન્ય ત્રણ અજાણ્યા સહિત ચાર શખ્સોએ એકસંપ કરી લોખંડના પાઈપ, છરી અને તલવાર વડે જીતુભા ઉપર જીવલેણ હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવાનને લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા પીઆઈ પી.એલ. વાઘેલા તથા સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો અને ભોગ બનેલા જીતુભાના નિવેદનના આધારે ચાર શખ્સો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.