ખંભાળિયાના ટ્રાફિકથી વ્યસ્ત એવા ચાર રસ્તા વિસ્તારમાં રાત્રિના સમયે બે દુકાનોના તાળા તોડી, ચોરી કરનાર સલાયાના શખ્સને એલસીબી પોલીસે ગણતરીની કલાકોમાં દબોચી લીધો હતો.
આ અંગેની વિગત મુજબ ખંભાળિયાના મિલન ચાર રસ્તા વિસ્તારમાં દુકાન ધરાવતા મશરીભાઈ જીણાભાઈ બોદર અને અશ્વિનભાઈ હરિલાલ જોશીની દુકાનના તાળા તોડી, શટર ઊંચકાવીને રવિવારે મોડી રાત્રિના સમયે કુલ રૂપિયા 80 હજારની ચોરી થયાની ફરિયાદ ગઈકાલે અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી.
આ સંદર્ભે એલસીબી પોલીસ દ્વારા પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ નાઈટ કોમ્બિંગ અંગેની કામગીરી દરમિયાન એ.એસ.આઈ. સજુભા જાડેજા, જેસલસિંહ જાડેજા અને સહદેવસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના સલાયા ગામે સરકારી હોસ્પિટલની પાછળ રહેતા મોહસીન દાઉદ કારા નામના મુસ્લિમ વાઘેર શખ્સને ઝડપી લીધો હતો. આ શખ્સ પાસેથી પોલીસે ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ઉપરોક્ત શખ્સની પૂછતાછમાં તેના દ્વારા ઓખા, કચ્છના જખૌ તેમજ આદિપુર વિગેરે ખાતેથી પણ આ રીતે દુકાનોના તાળા તોડી ચોરી કરવામાં આવી હોવાનું કબુલાત આપી હતી. આમ, રાત્રિના સમયે બંધ દુકાનો તથા કેબીનોના તાળા તોડી, ચોરી કરવાની મોડેસ ઓપરેન્ડી ધરાવતા ઉપરોક્ત શખ્સની એલસીબી પોલીસે અટકાયત કરી, વધુ તપાસ અર્થે તેનો કબજો ખંભાળિયા પોલીસને સોંપવામાં આવ્યો છે.