લાલપુર તાલુકાના નવીપીપર ગામ તરફ જતાં માર્ગ પર વરસાદના કારણે બાઇકસવારે કાબુ ગુમાવી દેતાં સ્લિપ થવાથી ઇજાગ્રસ્ત પ્રૌઢનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું.
બનાવની વિગત મુજબ લાલપુર તાલુકાના નાનીરાફુદડ ગામમાં રહેતાં ભારમલભાઇ નથુભાઇ વિંઝૂડા (ઉ.વ.50) નામના પ્રૌઢ ગત તા. 18ના રોજ રાત્રીના સમયે તેના બાઇક પર ઘર તરફ જતાં હતાં ત્યારે નવીપીપર ગામ જવાના માર્ગ પર વરસાદના કારણે બાઇક પરનો કાબુ ગુમાવી દેતાં સ્લિપ થવાથી પ્રૌઢને શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ પ્રૌઢને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના પુત્ર હાર્દિકભાઇ દ્વારા જાણ કરાતાં હેકો એન.પી. વસરા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.