કાલાવડ તાલુકાના લક્ષ્મીપુર ગામ નજીક કાચા રસ્તા પર આવેલા ખેતરમાં રહેલા કુવામાં કબુતર પકડવા જતા સમયે પગ લપસી જતા કોતરમાં ભટકાઇ જતા કુવામાં ખાબકતા શ્રમિક યુવાનનું મોત પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું.
મળતી વિગત મુજબ મધ્યપ્રદેશના વતની અને કાલાવડ તાલુકાના ખંઢેરા ગામની સીમમાં રહેતા અને ખેતમજૂરી કામ કરતો લીમસીંગભાઈ અને માનસીંગભાઈ નામના બે યુવાનો સોમવારે સવારના સમયે ખંઢેરા-બાદનપર ગામ જવાના કાચા માર્ગ પર આવેલા ઘનશ્યામભાઈના ખેતરના કૂવામાંથી કબુતર પકડવા માટે ગયા હતાં કબુતર પકડવા માટે લીમસીંગભાઈ સુરતનભાઈ બામનીયા (ઉ.વ.37) નામનો યુવાન કબુતર પકડવા કુવામાં ઉતરતો હતો તે દરમિયાન પગ લપસી જતા કુવાના પથ્થરની કોતરમાં ભટકાઈને પાણીમાં ખાબકતા ઉંડા પાણીમાં ડુબી ગયો હતો. યુવાન પાણીમાં ડુબી જવાથી સ્થાનિકોએ યુવાનને બહાર કાઢયો હતો. પરંતુ તે પહેલાં જ યુવાનનું મોત નિપજ્યું હતું. આ અંગે માનસીંગભાઈ દ્વારા જાણ કરાતા હેકો એન.કે. છૈયા તથા સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી તજવીજ હાથ ધરી હતી.