જામનગરના બસ સ્ટેન્ડમાં હોમગાર્ડ જવાને મહિલાને ઢસડી હોવાનો વીડિયો વાયરલ થવાના કેસમાં જીલ્લા કમાન્ડન્ટ દ્વારા હોમગાર્ડ જવાનનો ખુલાસો માંગ્યો હતો. જેમાં પુરૂ સત્ય જાણ્યા વિના સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયાનું સામે આવ્યું છે. નશો કરેલી હાલતમાં મહિલા હોય અને પેસેન્જરોને કનડગત કરતી હતી જેને લઇ હોમગાર્ડ જવાન તેને ત્યાંથી દૂર કરી રહ્યો હતો. આ દરમિયાન કોઇકે અધુરો વીડિયો બનાવી વાયરલ કર્યો હતો.
આ અંગેની વિગત મુજબ જામનગર એસ ટી ડેપોમાં હોમગાર્ડ જવાન એક મહિલાને ઢસડીને લઇ જતો હોય તેવી વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેને લઇ હોમગાર્ડના જીલ્લા કમાન્ડન્ટ ગીરીશ સરવૈયાની જાણ થતા તેમણે તાત્કાલિક હોમગાર્ડ જવાનને ફરજ મોકુફ કરી નોટિસ આપી ખુલાસો માંગ્યો હતો જેમાં હોમગાર્ડ જવાને જિલ્લા કમાન્ડન્ટ સમક્ષ હાજર થઈ આ અંગે ખુલાસો આપતા જણાવ્યું હતું કે, તે એસટી ડેપો ખાતે ફરજમાં હતો તે દરમિયાન એક મહિલા દ્વારા મુસાફરોને કડનગત કરવામાં આવી રહી હતી અને બેફામ વાણીવિલાસ કરી રહી હતી. જેના પરિણામે કેટલાંક મહિલા મુસાફરો પણ પરેશાન થતા આ અંગે હોમગાર્ડ જવાનને રજૂઆત કરી હતી. જેને લઇ હોમગાર્ડ જવાને આ મહિલાને બહાર નિકળી જવા કહ્યું હતું. પરંતુ, મહિલાએ બહાર ન નીકળી વધુ ગેરવર્તણૂં કરી હતી આ દરમિયાન આ મહિલા નશાની હાલતમાં હોવાનું પણ સામે આવ્યું હતું. આ અંગે પોલીસને જાણ કરે ત્યાં સુધી વાર લાગે અને આ નશાની હાલતમાં રહેલ મહિલા મુસાફરોને શારીરિક ઈજાઓ પહોંચાડી શકે તેવો ભય હોય હોમગાર્ડ જવાને મહિલાને હાથ પકડી બહાર જવા દબાણ કર્યુ હતું.
આ દરમિયાન મહિલા નીચે પછડાઈ જતાં તેને દૂર કરવા જતાં એક પેસેન્જેરે આ અંગેનો વીડિયો ઉતારી લીધો હતો અને વાયરલ કર્યો હતો અને આ અંગે પોલીસમાં ફરિયાદ પણ કરી હતી. જેને લઇ હોમગાર્ડ જવાન દ્વારા સમગ્ર ઘટના અંગે પોલીસ સ્ટેશનમાં પણ ખુલાસો કર્યો હતો તેમજ આ સમગ્ર ઘટના અંગે હાજર એસટી ડેપોના કર્મચારીઓ – તેમજ અન્ય મુસાફરોએ પણ સમગ્ર બાબત અંગે ખુલાસો કર્યો હતો. આ નિષ્ઠાપૂર્વકની ફરજ બજાવવાના પ્રયાસમાં હોમગાર્ડ જવાનને નોટિસ મળી હતી. અને અધુરુ સત્ય હોય વીડિયો વાયરલ થયો હતો.