View this post on Instagram
જામનગર સહિત સમગ્ર વિશ્ર્વમાં સોશિયલ મિડિયામાં વાયરલ થવાના ચક્કરમાં અનેક યુવક તથા યુવતીઓ રીલ બનાવવાની ઘેલછામાં જીવ જોખમમાં મૂકતા હોય છે. આવા કિસ્સાઓમાં ઘણા લોકોના મોત નિપજયાની ઘટનાઓ પણ બની છે. જામનગર તાલુકાના વાણિયા ગામમાં રીલ બનાવવાના ચક્કરમાં યુવાન કાર સહિત ચેકડેમમાં ખાબકયો હતો.
આ બનાવની વિગત મુજબ ડિજિટલ યુગમાં સોશિયલ મિડિયા પ્લેટફોર્મનું ચલણ ઘેલછાપૂર્વક ચરમસીમાએ પહોંચી ગયું છે. થોડા દિવસોમાં જ વાયરલ થવાની ઘેલછા આજની યુવા પેઢીમાં જોખમી બની ગઇ છે. સોશિયલ મિડિયામાં વાયરલ થવા માટે યુવા પેઢી કોઇપણ જોખમ લેતા અચકાતી નથી. આવી પરિસ્થિતિમાં અનેક વ્યક્તિઓએ પોતાના જીવ ગૂમાવ્યાની ઘટનાઓ પણ અવારનવાર બનતી રહે છે. તેમ છતાં આજની યુવાપેઢી સોશિયલ મિડિયામાં વાયરલ થવાની હોડમાં જીવ ગૂમાવતી રહે છે. ત્યારે જામનગર તાલુકાના વાણિયા ગામમાં પણ આવી જ એક ઘટના બની છે. જેમાં એક યુવાન રીલ બનાવવા જતાં ચેકડેમમાં કાર સાથે ખાબકયો હતો. જો કે, સદ્નસીબે ગ્રામજનોએ ચેકડેમમાં ખાબકેલા યુવાનને સમયસર બચાવી લીધો હતો. જેથી જાનહાનિ ટળી હતી.


