જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના રોજીયા ગામમાં રહેતાં આધેડ તેના બાઈક પર નાના વડાળા ગામે તેની પુત્રીને મુકવા જતાં હતાં ત્યારે બાઈક આડે ગાય ઉતરતા સ્લીપ થઈ જતાં માથામાં અને શરીરે ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના રોજીયા ગામમાં રહેતા અને વાણંદકામ કરતા દિનેશભાઇ તુલસીભાઈ ઝાલા (ઉ.વ.50) નામના આધેડ ગત તા.21 ના નવેમ્બરના રોજ સવારના સમયે તેના ગામથી કાલાવડ તાલુકાના નાના વડાળા ગામ સાસરે તેની પુત્રીને મુકવા જતાં હતાં ત્યારે નાના વડાળા ગામ પાસે જીઈબીના પાવર હાઉસ નજીકની ગોલાઈમાં તેના જીજે-03-સીજી-1269 નંબરના બાઈક આડે ગાય ઉતરતા ગાયને બચાવવા જતાં બાઇક પરનો કાબુ ગુમાવી દીધો હતો. જેના કારણે બાઈક સ્લીપ થવાથી દિનેશભાઈને શરીરે અને માથામં ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. ત્યાં તેમનું મંગળવારે બપોરના સમયે સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે જીજ્ઞેશભાઇ દ્વારા જાણ કરાતા હેકો આર.વી. ગોહિલ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.