રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજી ભાઈ પટેલે કલેકટર કચેરી ખાતે જિલ્લાના મહેસૂલી પ્રશ્નો અંગે જિલ્લાના તમામ મહેસૂલી અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં મંત્રીએ અરજદારોના કામો સત્વરે પૂરા થાય તેમજ જિલ્લાના નાગરિકો પોતાના કામો સંતોષકારક રીતે પૂર્ણ થયાની લાગણી અનુભવે તે રીતે સમગ્ર જિલ્લા વહીવટી તંત્રને કામગીરી કરવા સૂચન કર્યું હતું.અને અરજદારોના પ્રશ્નોની નોંધ થાય તેમજ પ્રશ્નોનો ઉકેલ આવ્યા અંગેની અમને પણ જાણ થાય તેમ મંત્રીએ જણાવ્યું હતું
બેઠકમાં મંત્રીએ તેમને જમીન નીમ કરવા, ગૌશાળા તેમજ સ્મશાન માટે જમીન ફાળવવા, જમીન સાંથળી કરવા, રહેણાંકી જમીનની સનદ ફાળવવા, 7-12 નું પાનીયું કઢાવવા, સરકારી જમીનો પરના દબાણો દૂર કરવા વગેરે જેવી તેઓને મળેલ રજૂઆતો તેમજ પ્રશ્નો અંગે ઉપસ્થિત અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી તેમજ પેન્ડિંગ દરખાસ્તો અંગે સત્વરે કાર્યવાહી હાથ ધરવા તેમજ પ્રશ્નનોના નિકાલ માટે જો કોઈ મુશ્કેલી ઉપસ્થિત થાય તો તેઓનું અંગત ધ્યાન દોરવા ઉમેર્યું હતું.
આ બેઠકમાં જિલ્લા કલેકટર ડો.સૌરભ પારઘી, અધિક નિવાસી કલેકટર મિતેષ પંડયા, ડે. મ્યુનસિપલ કમિશનર વસ્તાણી,જિલ્લાના સર્વે પ્રાંત અધિકારીઓ, સર્વે મામલતદારઓ, ચીફ ઓફિસરઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.