તા.31 ઓક્ટોબરના રોજ ભારતીય સ્વતંત્રતા સંગ્રામના મહાન સેનાની અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલજીની જન્મજયંતિ નિમિત્તે “રાષ્ટ્રીય એકતા દિવસ” ની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2014માં કેન્દ્ર સરકાર દ્વારા આ દિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ દિવસે એકતા દૌડ એટલે કે રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેમાં દેશભરના નાગરિકો ઉત્સાહપૂર્વક મેરેથોનમાં તેમજ અન્ય રમત-ગમતની પ્રવૃત્તિઓમાં ભાગ લે છે.
જામનગર જિલ્લા કલેકટર બી.એ.શાહના અધ્યક્ષસ્થાને રન ફોર યુનિટી કાર્યક્રમના આયોજનની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ઉપસ્થિત અધિકારીગણ સાથે ચર્ચા કર્યા બાદ કલેકટરએ જણાવ્યું હતું કે, જામનગરના સુપ્રસિદ્ધ લાખોટા તળાવ પાસે આગામી તા.31 ઓક્ટોબરના રોજ એકતા દૌડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, જેમાં 3500થી વધુ નાગરિકો ભાગ લેશે તેવી સંભાવના છે. તેમજ સ્થળ પર રનર્સ માટે જામનગર મહાનગર પાલિકા દ્વારા બનાવેલા રજીસ્ટ્રેશન કાઉન્ટરમાં ઓન ઘી સ્પોટ રજીસ્ટ્રેશન કરવામાં આવશે. મેરેથોનમાં બાળકો, મહિલાઓ અને ઓપન ફોર ઓલ એમ 3 કેટેગરી બનાવવામાં આવી છે. તેમજ મેરેથોનના માર્ગમાં પીવાનું પાણી, શેડ, લીંબુ શરબત અને ઓ.આર.એસ.ના પેકેટ્સનું વિતરણ કરાશે અને મેડિકલ ઓફિસર્સની ટીમ હાજર રહેશે.
ઉક્ત બેઠકમાં અધિક નિવાસી કલેકટર બી.એન.ખેર, જામનગર (શહેર) પ્રાંત અધિકારી પરમાર, જામનગર (ગ્રામ્ય) પ્રાંત અધિકારી ડોબરીયા, જિલ્લા શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટ, જિલ્લા રમત વિકાસ અધિકારી રમા કે. મદ્રા, જામનગર (શહેર) મામલતદાર વિરલ માકડીયા, જામનગર એરફોર્સના અધિકારીગણ તેમજ અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.