ખંભાળિયામાં રહેતા જીવાભાઈ વેરશીભાઈ ડોરૂ નામના શખ્સ પાસે અગાઉ રહેલું બાર બોર હથિયાર (અગ્નિશસ્ત્ર) બંદૂક કે જેના પરવાનાની મુદત તારીખ 31 ડિસેમ્બર 2021 ના રોજ પૂર્ણ થઈ ગઈ હતી અને તેના દ્વારા હથિયાર પરવાનો રીન્યુ કરાવવામાં આવ્યો ન હતો. જે બાબત જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આત્મરક્ષણ હથિયાર પરવાના રદ્દ કર્યા અંગેના પત્રક સંદર્ભે જિલ્લા એસ.ઓ.જી. પોલીસ દ્વારા ઉપરોક્ત શખ્સને કચેરીએ બોલાવી અને તેની પાસે રહેલા હથિયાર પરવાના અંગેના જરૂરી આધાર પુરાવા રજુ કરવાનું કહેતા તેના દ્વારા આ હથિયાર અંગેનો પરવાનો અહીંની જિલ્લા કલેકટર કચેરી ખાતે હોવાનું જણાવી એક પત્ર રજૂ કરતા આ પત્રમાં જિલ્લા કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તા.4-10-2022 ના રોજ જીવાભાઈ વેરશીભાઈ ડોરૂના હથિયાર પરવાનાને રદ્દ કર્યાનો હુકમ હતો.
આ હુકમની તારીખથી છ માસના સમયગાળા દરમિયાન હથિયારનો નિકાલ કરવા જણાવ્યું હતું. પરંતુ ઉપરોક્ત આસામીએ હુકમ મુજબ ગેરકાયદેસર રીતે પોતાના કબ્જા ભોગવટામાં હથિયાર (અગ્નિશસ્ત્ર) રાખેલ હોવાનું જણાતા આ શખ્સના કબજામાં રહેલું હથિયાર (અગ્નિશસ્ત્ર) ગન ગેરકાયદેસર રીતે મળી આવ્યું હતું.
આથી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડાની સુચના મુજબ એસ.ઓ.જી. વિભાગના ઇન્ચાર્જ પી.આઈ. પી.સી. સિંગરખિયાના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. મહમદભાઈ બ્લોચ, ઈરફાનભાઈ ખીરા, વિગેરે દ્વારા આ અંગે જરૂરી કાર્યવાહી કરી, તેની વિરુદ્ધમાં હથિયારધારાની કલમ જુદી-જુદી કલમ હેઠળની ફરિયાદ ખંભાળિયા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.