ખંભાળિયા બાયપાસ ચોકડી પાસેથી જામનગર પંચકોષી બી ડીવીઝન પોલીસે એક શખ્સને 240 લીટર દેશી દારૂનો જથ્થો સહિત રૂા.1,05,300 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.
દરોડાની વિગત મુજબ, લાખાબાવળ ગામ બાજુથી એક અલ્ટો કાર જીજે-10-એસી-8887 નંબરની ગાડીમાં દેશી દારૂ ભરી એક શખ્સ જામનગર આવતો હોવાની પંચકોશી બી ડીવીઝનના હેકો હરદેવસિંહ જાડેજા તથા પો.કો. જયદેવસિંહ જાડેજાને મળેલ બાતમીના આધારે જામનગર જિલ્લાના મદદનીશ પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય તથા જામનગર ગ્રામ્ય પોલીસ અધિક્ષક કૃણાલ દેસાઈના માર્ગદર્શન હેઠળ પંચકોશી બી ડીવીઝનના પીએસઆઈ જે.ડી.પરમાર તથા એએસઆઇ એમ.એલ. જાડેજા, હેકો હરદેવસિંહ જાડેજા, પો.કો. જયદેવસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા સહિતના સ્ટાફે વોચ ગોઠવી ખંભાળિયા બાયપાસ ચોકડી પાસેથી બાતમી મુજબની કાર પસાર થતા તેને રોકી કાર ચાલક ધાંધાભાઈ દેવદાસભાઈ ગુજરીયા (રહે. જોલીબંગલા પાસે, શિવશકિત બેટરીની બાજુમાં, જામનગર) ની મોટરમાં રૂા.48000 ની કિંમતનો 240 લીટર દેશી દારૂ, એક લાખની કિંમતની મોટરકાર તેમજ રૂા.500 ની કિંમતનો એક મોબાઇલ ફોન મળી કુલ રૂા.1,05,300 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. તેમજ આ દેશી દારૂનો જથ્થો પૂરો પાડનાર લાલો દેસળભાઈ ગુજરીયા તેમજ દારૂનો જથ્થો મંગાવનાર રવિ કેશુભાઈ હોવાનું પકડાયેલ આરોપીએ પૂછપરછ દરમિયાન જણાવતા પોલીસ દ્વારા તમામ આરોપીઓ વિરુધ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.