જામનગર શહેરમાં અંધાશ્રમ ફાટક પાસે જાહેરમાં વર્લીમટકાના આંકડા લખતો એક શખ્સ સિટી સી પોલીસે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી. લાલપુર તાલુકામાં નાંદુરી ગામ પાસે જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા બે શખ્સોને ઝડપી લીધા હતાં અને એક શખ્સ નાશી જતાં ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં અંધાશ્રમ ફાટક પાસે જાહેરમાં વર્લીમટકાનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસે રેઈડ દરમિયાન જીતુભા ઈન્દ્રજિતસિંહ ગોહિલ નામના શખ્સને રૂા.10460 ની રોકડ રકમ તથા વર્લીમટકાનું સાહિત્ય સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.
બીજો દરોડો, લાલપુર તાલુકાના નાંદુરી ગામ પાસે દાવલશાપીરની જગ્યામાં ઓટા પાસે જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન પાલા ગોગન મારિયા તથા નાથ જેતા કરંગીયા નામના બે શખ્સોને રૂા.920 ની રોકડ રકમ સહિતના મુદ્દામાલ સાથે જૂગાર રમતા ઝડપી લીધા હતાં. રેઈડ દરમિયાન બાબુ મુરા વરુ નામનો શખ્સ નાશી જતાં પોલીસ દ્વારા કુલ ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી હતી.