જામજોધપુર તાલુકાના બાલવા ગામના મુખ્ય રોડ પર મુંબઇમાં રમાતી આઈપીએલ 20-20 ક્રિકેટ ટૂર્નામેન્ટના મેચના પ્રસારણ ઉપર રન ફેરનો જૂગાર રમાડતા એક શખ્સને પોલીસે રેઈડ દરમિયાન રૂા.16,110 ની રોકડ રકમ સાથે ઝડપી લીધો હતો. જામનગરમાં ખંભાળિયા ગેઈટ પાસેથી ક્રિકેટનો જૂગાર રમાડતા શખ્સને રૂા.3900ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામજોધપુર તાલુકાના બાલવા ગામના મુખ્ય રોડ પર મુંબઇમાં રમાતી આઈપીએલ 20-20 ક્રિકેટ ટૂર્નામેન્ટના મેચના પ્રસારણ ઉપર રન ફેરનો જૂગાર રમાડતો હોવાની બાતમીના આધારે ઈન્ચાર્જ પીઆઈ એમ.આર. સવસેટા તથા સ્ટાફે રેઈડ દરમિયાન દિલીપ છગન ચપલા નામના શખ્સને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ચાલતી મેચમાં રનફેરનો જૂગાર રમાડતો ઝડપી લઇ રૂા.5000 ની કિંમતનો મોબાઇલ ફોન અને રૂા.11110 ની રોકડ રકમ મળી કુલ રૂા.16,110 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા આ દરોડામાં ડિન્કલ શાંતિલાલ ધરસંડિયા નામના શખ્સની સંડોવણી ખુલ્લી હતી. જેના આધારે પોલીસે આગળની તપાસ આરંભી હતી.
બીજો દરોડો, જામનગર શહેરમાં ખંભાળિયા ગેઈટ સર્કલ પાસે જાહેરમાં આઈપીએલ 20-20 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં દિલ્હી કેપીટલ અને સનરાઈઝ હૈદરાબાદ વચ્ચે રમાતી મેચના પ્રસારણ ઉપર જૂગાર રમાડતા ભાવિક પ્રભુલાલ ભદ્રા નામના શખ્સને પોલીસે રેઈડ દરમિયાન રૂા.900 ની રોકડ રકમ અને 3000 ની કિંમતનો મોબાઇલ ફોન મળી કુલ રૂા.3900 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


