જામનગર શહેરના ચાંદીબજાર વિસ્તારમાં મોબાઈલ એપ્લીકેશનમાં 20-20 ક્રિકેટ મેચ ઉપર જુગાર રમાડતા શખ્સને પોલીસે રેઈડ દરમિયાન રૂા.10 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા કપાત કરાવતા શખ્સની સંડોવણી ખુલ્લી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ચાંદીબજારમાં બુગદા પાસે જાહેરમાં મોબાઇલ એપ્લીકેશનમાં ક્રિકેટનો જૂગાર રમાડતો હોવાની બાતમીના આધારે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન ભનુ બાબુ દાવડા નામના શખ્સને આંતરીને તલાસી લેતા તે મુંબઇમાં રમાતી આઈપીએલ 20-20 માં રાજસ્થાન રોયલ અને દિલ્હી કેપીટલ વચ્ચેની ક્રિકેટ મેચમાં રનફેરનો જૂગાર રમાડતો હતો. જેથી પોલીસે તેના કબ્જામાંથી રૂા.5000 ની રોકડ રકમ અને રૂા.5000 ની કિંમતનો એક મોબાઇલ મળી કુલ રૂા.10000 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ પૂછપરછ હાથ ધરતા ભનુ સેતાવડમાં રહેતા હાર્દિક સોની ઉર્ફે ટકાબાપુ પાસે કપાત કરાવતો હોવાનું ખુલતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.