જામનગર શહેરના ચાંદીબજાર વિસ્તારમાં જાહેરમાં ક્રિકેટ મેચના લાઈવ પ્રસાર ઉપર રનફેરનો જૂગાર રમાડતા શખ્સને સ્થાનિક પોલીસે ઝડપી લઇ રોકડ અને મોબાઇલ મળી કુલ 2700 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ચાંદીબજાર વિસ્તારમાં જાહેર માર્ગ પર એનટીગુઆમાં ચાલતા શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝ વન-ડે ક્રિકેટ મેચના જીવંત પ્રસારણ ઉપર મોબાઇલ ફોનમાં એપ્લીકેશન દ્વારા રન ફેરનો જૂગાર રમાડતા હોવાની બાતમીના આધારે પીઆઈ એમ. જે. જલુ તથા પીએસઆઈ એમ.વી. મોઢવાડિયા સહિતના સ્ટાફે રેઇડ દરમિયાન હાર્દિક ચંદ્રકાંત સાહોલિયા નામના શખ્સને ઝડપી લઇ તેના કબ્જામાંથી રૂા.1800 ની રોકડ રકમ અને રૂા.1500 ની કિંમતનો એક મોબાઇલ મળી કુલ રૂા.2700 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો તેમજ પૂછપરછ હાથ ધરતા હાર્દિક સોઢાના ડેલામાં રહેતા મહેક ભરત ઠકકર પાસે કપાત કરાવતો હોવાનું ખુલ્યું હતું. જેના આધારે પોલીસે મહેકની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.